ગાંધીનગર:આગામી 10થી 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટરની શરૂઆત કરવામાં આવશે. જેનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021નું વાઈબ્રન્ટ કોરોના કેસમાં વધારો થવાને કારણે રદ કરવામાં આવ્યું હતું. ત્યારે આવી જ પરિસ્થિતિ હવે 2024માં ઉભી થઇ છે. આ સમગ્ર બાબતે રાજયના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે કોરોનાની અસર વાઇબ્રન્ટમાં જોવા નહીં મળે.
'આજે કેબિનેટ બેઠકમાં વાઇબ્રન્ટ ગુજરાત બાબતે ખાસ ચર્ચાઓ અને સમીક્ષાઓ કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ 24 જેટલા વિદેશ કન્ટ્રી ભાગીદારી કરી રહી છે અને આ સમયગાળા દરમિયાન જ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે પરંતુ આ એકદમ માઈલ્ડ વેરીએન્ટ છે જે નુકસાનકારક નથી. જેથી વાઇબ્રન્ટના કાર્યક્રમને કોઈ પ્રકારનું નુકસાન થશે નહીં. સાથે જ વિદેશથી આવતા ડેલીગેશનમાં જો કોઈ પણને સામાન્ય લક્ષણો પણ હશે તો તેમનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે.' - ઋષિકેશ પટેલ, પ્રવક્તાપ્રધાન
હાલમાં 13 પોઝિટિવ કેસ: આ બાબતે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ફક્ત 12 જેટલા કેસ છે અને આજે વધુ એક કેસ સામે આવ્યો છે એટલે કે કુલ 13 જેટલા પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં અઠવાડિયામાં એવરેજ 7થી 10 કેસો સામે આવી રહ્યા છે. પરંતુ નવો વેરિયન્ટ ખૂબ જ માઈલ્ડ હોવાના કારણે નુકસાન ઓછું થાય છે. 99% કેસ ઘરે રહીને જ હોમ આઈસોલેશનમાં સાજા થઈ શકાય છે. જેથી કોઈ પણને નવા વેરીએન્ટથી ગભરાવાની જરૂર ન હોવાની સૂચન પણ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું હતું.
એરપોર્ટ સર્વેલન્સ બાબતે ચુપ્પી: ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટ સમિટમાં 24થી વધુ દેશના ડેલીગેશન ગુજરાતમાં આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ટેસ્ટિંગની કોઈ સુવિધાઓ હશે કે નહીં તે બાબતના પ્રશ્નમાં રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ફક્ત એટલું જ નિવેદન આપ્યું હતું કે આ વાયરસ ખૂબ જ માઈલ્ડ છે પરંતુ વિદેશથી આવતા ડેલીગેશનમાં જો કોઈપણ લક્ષણ જણાશે તો ટેસ્ટિંગ કરવામાં આવશે પરંતુ એરપોર્ટ ઉપર ટેસ્ટીંગ ફેસીલીટી રાખવી કે નહીં તે બાબતે કોઈ જવાબ આપ્યો ન હતો.
થાણેથી કોવિડ-19ના સબસ્ટ્રેન JN.1નો કેસ સામે આવ્યો
કોવિડ-19ના સબ-ફોર્મ JN.1 નો કેસ મહારાષ્ટ્રના થાણેમાં નોંધાયો છે. આ પ્રકારથી અસરગ્રસ્ત છોકરીને મંગળવારે સાંજે 4:30 વાગ્યે સારવાર માટે થાણેની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના સૂત્રોએ અમને જણાવ્યું હતું કે દાખલ કરાયેલી બાળકીની સ્થિતિ સ્થિર છે અને તે હાલમાં સારવાર હેઠળ છે.હોસ્પિટલના ડીન ડૉ. રાજેન્દ્ર ભારુડે પણ હોસ્પિટલમાં JN.1 દર્દીઓના દાખલ થયાની પુષ્ટિ કરી છે. અગાઉ, આ પ્રકારનો એક દર્દી કેરળમાં જોવા મળ્યો હતો. જો કે એક સપ્તાહની તપાસ બાદ ત્રણસોથી વધુ લોકો પોઝીટીવ મળી આવ્યા છે. રાજ્યમાં આ પ્રકારથી પ્રભાવિત દર્દીઓની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે, જેમાં મુંબઈમાં આ પ્રકારના 13 દર્દીઓનો સમાવેશ થાય છે. કોરોનાને ધ્યાનમાં રાખીને બિટકો હોસ્પિટલમાં 300 બેડ અને ઝાકિર હોસ્પિટલમાં 100 બેડ અનામત રાખવામાં આવ્યા છે.