ગાંધીનગર ખાતે 12મી INTERPA કોન્ફરન્સનો શુભારંભ ગાંધીનગર: વિશ્વમાં પોલીસની કામગીરી બાબતે હંમેશા ચર્ચા થતી હોય છે. પોલીસ ફક્ત દેશમાં આંતરિક સુરક્ષા નહિ પરંતુ માનવસર્જિત પરિસ્થિતિ અને કુદરતી પરિસ્થિતિમાં મહત્વની ફરજ અદા કરે છે ત્યારે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે 12મી ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડમીઝ (INTERPA)કોન્ફરન્સ અને 24મી એક્ઝિક્યુટિવ બોર્ડ મીટિંગ અને જનરલ કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું.
'ગુજરાત એ ગાંધી, સરદાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમીન છે અને આ જમીન પર આપનું સ્વાગત કરીએ છીએ. જ્યારે વર્ષ 2009માં જ પોલીસ અને ડિફેન્સને ધ્યાનમાં લઈને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. આ ભારતની પ્રથમ એવી યુનિવર્સિટી છે કે જેમાં દ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ, ક્રાઇમ ફોરેન્સિક, સાયબર ક્રાઈમ જેવી તમામ બાબતો ઉપર સંશોધન કરવામાં આવે છે. આ વિશ્વની એક માત્ર એવી યુનિવર્સિટી છે જ્યાં વિદેશથી પોલીસ અને સુરક્ષા દળના સભ્યો અને અધિકારીઓ અભ્યાસ અને રિસર્ચ માટે આવે છે.' - ભૂપેન્દ્ર પટેલ, મુખ્યપ્રધાન
ક્રાઇમના પ્રકાર અને સ્વરૂપ બદલાયા:રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુમાં નિવેદન આપ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં પોલીસ બેસ્ટ કામગીરી કરી શકે માટે ખૂબ અગ્રેસર છે. NFSUમાં આયોજીત આ કોન્ફરન્સના માધ્યમથી પોલીસને એક સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આજના ટેકનોલોજીના સમયમાં ક્રાઇમના પ્રકાર અને સ્વરૂપ પણ બદલાઈ રહ્યા છે. સાયબર ક્રાઇમ અને ડિજિટલ ક્રાઇમ વધી રહ્યા છે. ત્યારે આ તમામ મુદ્દે ગુજરાતની ઝીરો ટોલરન્સની નીતિ છે. પોલીસ ફકત શાંતિ સલામતી માટે જ નહિ, પણ કુદરતી અને માનવસર્જિત આફતો માટે પોલીસ જરૂરી છે. વિશ્વમાં રેલ ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, તોફાન વગેરે ઘટનામાં પોલીસ કાર્યરત હોય છે. આજે ડિઝાસ્ટર અને બચાવની કામગીરીમાં નવી ટેકનોલોજી આવી છે.
શું છે INTERPA:INTERPA એ 63 દેશોની 80 સભ્ય સંસ્થાઓ સાથે જોડાયેલી પોલીસ અકાદમીઓનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. 12મી ઈન્ટરપા કોન્ફરન્સમાં થીમ "પોલિસિંગ એટ ટાઈમ્સ ઓફ ટેક્નોલોજિકલ એક્સિડન્ટ્સ એન્ડ નેચરલ ડિઝાસ્ટર્સ" પર ચર્ચા કરવામાં આવશે. જેમાં આ કોન્ફરન્સ વિષય-નિષ્ણાતોને વિચારોનું આદાનપ્રદાન કરવા, પડકારોની ચર્ચા કરવા અને સહયોગ અને નવીન આંતરદ્રષ્ટિના આદાનપ્રદાનને પ્રોત્સાહિત કરવા માટેનું વાતાવરણ પૂરું પાડવા માટેનું મંચ પ્રદાન કરશે.
- લીલી પરિક્રમા; જય ગિરનારીના નાદ સાથે 24 કલાક પૂર્વે ગિરનારની લીલી પરિક્રમા શરૂ
- બેવડી ઋતુ સાથે કમોસમી વરસાદનો સાથ, હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી