મળતી માહિતી મુજબ 11 વર્ષીય મૌલિક સંદીપભાઈ પટેલ ધોરણ 6માં અભ્યાસ કરતો હતો. પંચવટી વિસ્તારમાં માતા-પિતા સાથે રહેતો હતો. બાળકના પિતા દહેગામ પાસે આવેલા રખિયાલમાં કરિયાણાની દુકાન ધરાવે છે, ત્યારે આજે દિવાળીના દિવસે મૌલિક તેના મિત્રો સાથે દહેગામમાં આવેલા તળાવમાં આશરે સવારે દસ વાગ્યાના અરસામાં રમતો હતો. તે દરમિયાન રમતા રમતા તળાવમાં પડી ગયો હતો. મૌલિક તળાવમાં પડતાં જ તેની સાથે રમી રહેલા બાળકો ગભરાઈ ગયા હતા અને ત્યાંથી નીકળી ગયા હતાં. પરંતુ, ત્યાં રહેલા એક વ્યક્તિની નજર ઘટના ઉપર પડતા તેને સ્થાનિક ફાયર સ્ટેશનને જાણ કરી હતી. પરંતુ, તરવૈયા વિનાની ફાયરની ટીમ તળાવમાં પડેલા મૌલિકને કેવી રીતે બચાવે?
દહેગામ ઔડાના તળાવમાં પડી ગયેલા 11 વર્ષીય બાળકનું મોત - દિવાળી ન્યુઝ
ગાંધીનગરઃ જિલ્લાના દહેગામમાં ઔડા તળાવમાં પાળી ઉપર બેઠેલો બાળક પડી જતા મૃત્યુ પામ્યો હતો. આ બનાવને લઈને સાથે રમતા બાળકો ગભરાઇ ગયા હતા અને ત્યાંથી ચાલ્યા ગયા હતાં. પરંતુ, એક વ્યક્તિની નજર પડતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ દહેગામ ફાયર સ્ટેશનને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ, તેમની પાસે કુશળ તરવૈયા નહી હોવાના કારણે બહીયલના તરવૈયા બોલાવવામાં આવ્યા હતાં, ત્યારબાદ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

પરિણામે દહેગામ ફાયરની ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લામાં નામના મેળવેલા દહેગામ તાલુકાના બહિયલ ગામનાં તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતાં. આશરે દોઢ વાગ્યાની આસપાસ બહીયલના તરવૈયાઓ આવ્યા હતા ને તળાવમાં પડેલા મૌલિકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, તરવૈયાઓ આવે તે પહેલાં જ મૌલિકે તળાવમાં દમ તોડી નાખ્યો હતો. દહેગામ ફાયર સ્ટેશન પાસે કુશળ તરવૈયા નહી હોવાના કારણે દિવાળીના દિવસે જ એક દીવો બુજાઇ ગયો હતો.
જેને લઇને સમગ્ર દહેગામ પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. સવાલ એ થાય કે સમગ્ર દહેગામ તાલુકામાં કોઈ બનાવ બને તો તેમની પાસે કુશળ તરવૈયાનો અભાવ છે. આ સમગ્ર બનાવ દહેગામ ફાયર સ્ટેશનની સામે બનવા પામ્યો છે. ત્યારે લોકોમાં ફાયરની ટીમ સામે પણ ખૂબ જ રોષ જોવા મળતો હતો.