ગાંધીનગરઃ સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે, ત્યારે પાટનગરમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 25 નવા કેસ સામે આવતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં જિલ્લાના ચાર તાલુકા પૈકી ગાંધીનગર તાલુકામાં 24 કલાકમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા 17 પોઝિટિવ કેસ નોંધાયા હોવાની ઘટના પહેલી વાર જોવા મળી છે. તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કલોલ તાલુકાના એક દર્દીનું મોત થયુ છે.
સેકટર-2સી ખાતે રહેતી 56 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સે-27માં રહેતા અને માનવ અધિકાર આયોગમાં ફરજ બજાવતા 39 વર્ષીય ક્લાર્ક અને સેકટર-17ની 50 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થયા છે. આ બંનેને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા છે. સે-17માં રહેતા છાલા સ્કૂલના 54 વર્ષીય શિક્ષક અને તેમના 52 વર્ષીય શિક્ષિકા પત્ની કોરોનામાં સપડાયા છે. સે-15માં કરિયાણાનો વેપાર કરતાં અને સે-25માં રહેતા 32 વર્ષીય યુવક અને તેની 28 વર્ષીય પત્ની કોરોનાગ્રસ્ત થયા છે. આ ત્રણેય દર્દીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
ગાંધીનગર સિવિલના 45 વર્ષીય તબીબ અને તેમનાં 45 વર્ષીય પત્નીને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સે-8માં રહેતી અને કુડાસણ આઈસીઆઈસીઆઈ બેન્કમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી 22 વર્ષીય યુવતી કોરોનામાં સપડાયા બાદ તેને હોમ આઈસોલેશનમાં રખાઈ છે. સે-1 ખાતે રહેતાં અને પ્રાઈવેટ બિઝનેસ ધરાવતાં 52 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. જીઈબી કોલોનીમાં રહેતા અને કઠલાલ ખાતે વિદ્યુત સહાયક તરીકે ફરજ બજવતા 24 વર્ષીય યુવક કોરોનાગ્રસ્ત થતાં તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. ગાંધીનગર મ્યુનિસિપલ વિસ્તારમાં કુલ 473 વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયા છે અને અત્યાર સુધીમાં કુલ 11 વ્યક્તિના મોત થયા છે.
ગુરુવારે નોંધાયેલા 12 નવા દર્દીમાંથી છ વ્યક્તિઓમાં ત્રણ દંપતિનો સમાવેશ થાય છે. એક સાથે ત્રણ દંપતિ કોરોનાગ્રસ્ત થયા હોય તેવું પ્રથમ વખત બન્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબ, કરિયાણાના વેપારી અને શિક્ષક દંપતિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ગાંધીનગર સિવિલના તબીબ સહિત 38 કોરોનાની ઝપેટમાં, એકનું મોત - ગાંધીનગરમાં કોરોના વાઇરસ
પાટનગરમાં કોરોના વાઇરસના સંક્રમણે ગુરુવારે 12 વ્યક્તિને ભરડામાં લીધા છે. ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતા તબીબ અને તેમનાં પત્ની તથા છાલામાં ફરજ બજાવતા શિક્ષક દંપતિ કોરોનાગ્રસ્ત થયા છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 25 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 1022 ઉપર પહોંચ્યો છે અને 44 કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતના મુખમાં હોમાઇ ચૂક્યા છે. તેમજ આજની તારીખે પણ 215 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 9 સ્ત્રી સહિત 25 વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયા છે. તેમાં સૌથી વધુ ગાંધીનગર તાલુકામાં 17, કલોલમાં 5, માણસામાં 2 અને દહેગામના જીંડવામાં એક કેસ નોંધાયો છે.
ગાંધીનગર તાલુકામાં કોરોનાનું સંક્રમણ 17 કેસ સાથે એકાએક ભડકો થયો હોય તેમ બહાર આવ્યુ છે. તાલુકાના ઉવારસદમાં 70 વર્ષની સ્ત્રી અને 66-46 વર્ષના બે પુરૂષ સહિત 3 કેસ, કુડાસણમાં 25 વર્ષની યુવતી અને 70-35 વર્ષના પુરૂષ સહિત 3 કેસ, પેથાપુરમાં પણ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં 52 અને 44 વર્ષની સ્ત્રી તેમજ 45 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. વાવોલમાં પણ 24, 33 અને 77 વર્ષના પુરૂષ સહિત 3 કેસ સામે આવ્યા છે. જ્યારે આલમપુર મિલીટ્રી સ્ટેશનમાં 21 વર્ષનો યુવાન, જલુંદ ગામમાં 30 વર્ષનો યુવાન, ઝુંડાલ ગામમાં 45 વર્ષનો પુરૂષ તેમજ અડાલજમાં 26 વર્ષની યુવતી, શેરથામાં 64 વર્ષની સ્ત્રીનો પોઝિટિવ કેસમાં સમાવેશ થાય છે.
કલોલ તાલુકામાં નોંધાયેલા 5 પોઝિટિવ કેસની વિગત આ મુજબ છે. બોરીસણામાં 58 વર્ષના પુરૂષ, ધાનોટ ગામમાં 40 વર્ષની સ્ત્રી, મોટી ભોયણમાં 35 વર્ષની મહિલા અને અર્બનમાં 47 તેમજ 26 વર્ષના પુરૂષ દર્દીનો સમાવેશ થાય છે. તેમજ માણસા તાલુકાના ઇશ્વરપુરા ગામમાં 76 વર્ષના વૃધ્ધ અને ચરાડામાં 28 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને દહેગામ તાલુકાના એક માત્ર જીંડવા ગામમાં 20 વર્ષનો યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે.