જૂનાગઢ: જિલ્લામાં અવારનવાર દીપડા મળ્યાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે બે દિવસથી દીવના ઘોઘલા વિસ્તારમાં આંટાફેરા કરતા દીપડાને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી.
દીવના ઘોઘલા વિસ્તારમાં બે દિવસથી આંતક મચાવનાર દીપડો પાંજરે પુરાયો - જૂનાગઢ ન્યુઝ
દીવના ઘોઘલામાં ભય ફેલાવનાર દીપડો પાંજરે પુરાયો હતો. છેલ્લા બે દિવસથી ગ્રામજનોમાં ફફડાટ હતો. દીપડો પાંજરે પુરાતા ઘોઘલા વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાશ લીધો હતો.
સવારના સમયે ઘોઘલાના સરકારી કવાર્ટરમાં આ દીપડો જોવા મળતા તેને બેભાન બનાવીને પાંજરે પુરવામાં આવ્યો હતો. બે દિવસ અગાઉ આ દીપડો ઘોઘલાના પુલ પર જોવા મળ્યો હતો. શુક્રવારે ઘોઘલા વિસ્તારમાં દીપડાએ એક સ્વાનનું મારણ પણ કર્યું હતું. જેને લઈને આસપાસના લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
જામવાળા ધારી અને સાસણની રેસ્ક્યુ ટીમ દ્વારા શનિવારે સવારના સમયે આ દીપડાને પકડી પાડીને સાસણ એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યાં તેનું તબીબી પરીક્ષણ કર્યા બાદ તેને ફરીથી જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવશે તેવું વન વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.