ગુજરાત

gujarat

By

Published : Apr 2, 2021, 3:39 PM IST

Updated : Apr 2, 2021, 4:06 PM IST

ETV Bharat / state

ધૈર્યરાજસિંહની સારવાર માટે ભાણવડના યુવાનોએ 2.32 લાખની રકમ એકઠી કરી

ધૈર્યરાજસિંહની સારવાર માટે 22 કરોડ જેટલી રકમની જરૂરિયાત હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના યુવાનો દ્વારા ફાળો એકત્ર કરીને 2.32 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.

ધૈર્યરાજસિંહની સારવાર માટે ભાણવડમાં યુવાનોએ 2.32 લાખની રકમ એકઠી કરી
ધૈર્યરાજસિંહની સારવાર માટે ભાણવડમાં યુવાનોએ 2.32 લાખની રકમ એકઠી કરી

  • 3 માસના બાળકને થઈ છે સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોપી-1 બિમારી
  • સારવારનો ખર્ચ 22 કરોડને આંબી જાય તેમ હોવાથી લોકો આવ્યા મદદે
  • ભારતમાં આ બિમારીની કોઈ દવા નથી, અમેરિકામાં સારવાર ઉપલબ્ધ

દેવભૂમિ દ્વારકા: સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોપી-1 (SMA-1)નામની ગંભીર બિમારીથી પીડાતા 4 માસની ઉંમર ધરાવતા ધૈર્યરાજસિંહ રાજદીપસિંહ રાઠોડની સારવાર માટે 22.5 કરોડ રૂપિયાની જરૂર હોવાના અહેવાલો પ્રકાશિત થતા રાજકીય નેતાઓથી લઈને સામાન્ય લોકો તેની સારવાર માટે મદદરૂપ થઈ રહ્યા છે. આ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ભાણવડના યુવાનો દ્વારા ફાળો ઉઘરાવીને 2.32 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:દુર્લભ બીમારીથી પીડાતી બાળકી માટે વડાપ્રધાને દવાઓની આયાત ડ્યૂટીમાં છૂટ આપી

શું છે SMA-1 બિમારી?

આ બિમારી વધુ ગંભીર એટલા માટે છે, કારણ કે તેની સારવાર દેશમાં થઇ શકતી નથી. SMA-1માં બાળકના કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓ ધીરે ધીરે કામ કરતી બંધ થઈ જાય છે. જેથી શરીરના સ્નાયુઓ કામ કરતાં બંધ થઈ જાય છે અને સમય જતાં શરીરનું હલનચલન બંધ થઈ જતાં મૃત્યુ પણ થઈ જતું હોય છે.

આ પણ વાંચો:ધૈર્યરાજ એક જ નહીં, ગુજરાતમાં 19થી પણ વધારે બાળકો છે SMAથી પીડિત

પિતાએ ઇન્ટરનેટના માધ્યમથી બિમારી અને ઇલાજ વિશે જાણ્યું

ભારતમાં કોઈ ઈલાજ શક્ય ન હોવાનું જાણી તેઓએ દેશ બહાર કોઈ ઈલાજ છે કે નહીં તે જાણવા ઈન્ટરનેટની મદદ લીધી ત્યારે રાજદીપસિંહને તેઓના દીકરા જેવી જ બિમારીવાળો એક કિસ્સો ધ્યાને આવ્યો હતો. જેમાં મહારાષ્ટ્રમાં એક બાળકી અમેરિકા ખાતેથી ઈલાજ કરાવી સ્વસ્થ થઈ હોવાનું ધ્યાને આવ્યું અને તપાસ કરતા જાણવા મળ્યું કે, અમેરિકામાં આ બિમારીના ઈલાજ માટે એક ઇન્જેક્શન ઉપલબ્ધ છે. જે આપવાથી બાળકના સ્નાયુઓ અને ચેતાતંત્ર પુનઃ કામ કરતાં થઈ શકે છે. જેનો ખર્ચ 22.5 કરોડ થાય છે. એ માટે મહારાષ્ટ્રના એ પરિવારે દેશના લોકો અને સરકાર પાસે મદદ માગી તો જોતજોતામાં જરૂરી નાણાં ભેગા થઈ ગયાં અને વધુમાં સરકાર દ્વારા 6.5 કરોડ જેટલો આ દવા પરનો ટેક્સ પણ માફ કરી દેવાયો હતો. જેથી બાળકીનો ઈલાજ શક્ય બન્યો અને આજે એની સ્થિતિ સુધારા પર છે. બસ આ વાતને લઈને રાજદીપસિંહને પણ આશાનું કિરણ દેખાયું અને તેમણે પણ એનજીઓનો સંપર્ક કરી ધૈર્ય માટે ફંડ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. હાલ સારા પ્રમાણમાં ફંડ જમા પણ થઈ રહ્યું છે, પણ ધૈર્યના કેસમાં ડોકટરોએ સૂચવ્યું છે કે ધૈર્ય એક વર્ષનો થાય ત્યાં સુધી તેની પાસે જીવન છે નહીં તો એનું મૃત્યુ થઈ શકે એમ છે. એ પહેલાં એની સારવાર થઈ જવી જોઈએ. ત્યારે આવા સંજોગોમાં સરકાર વહારે આવે અને જો દેશવાસીઓ ધૈર્યને નાણાકીય મદદ કરે તો ધૈર્યની જિંદગી બચી શકે એમ છે.

Last Updated : Apr 2, 2021, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details