દેવભૂમિ દ્વારકા: જેમ જેમ કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધતી ગઈ તેમ તેમ આ યાત્રાળુઓ અને દ્વારકા રહેતાં તેમના પરિજનો ખૂબ જ ચિંતિત થયા હતા. આથી હરિદ્વાર ગયેલા યાત્રાળુઓના પરિજનો દ્વારા ગુજરાત સરકારને માહિતગાર કરી અને હરિદ્વાર ફસાયેલા યાત્રાળુઓને પરત ગુજરાત લાવવા માટે વ્યવસ્થા કરવાની વિનંતી કરતા ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકાર સાથે સંકલન કરીને આ તમામ યાત્રાળુઓને બસ દ્વારા દ્વારકા પરત લાવવામાં આવ્યા હતા.
દ્વારકાથી હરિદ્વાર ગયેલા યાત્રાળુ ગુજરાત સરકાર અને ઉત્તરાખંડ સરકારની મદદથી દ્વારકા પરત પહોંચ્યા
હોળી ધૂળેટીના તહેવાર બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી હરિદ્વાર યાત્રા માટે શ્રદ્ધાળુઓ ગયા હતા. જેમાં યાત્રાધામ દ્વારકાના અંદાજે 25 શ્રદ્ધાળુઓ હરિદ્વાર ભાગવત સપ્તાહ કરવા માટે ગયા હતા. જોકે, કોરોના વાઈરસના કહેર બાદ પ્રથમ અમુક રાજ્યોમાં અને ત્યારબાદ સમગ્ર ભારતમાં સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવતા દ્વારકાના આ યાત્રાળુઓ હરિદ્વારમાં ફસાઈ ગયા હતા.
આ તમામ યાત્રાળુઓ હરિદ્વારથી દ્વારકા આવી પહોંચતા દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી દ્વારકા તાલુકાની આરોગ્યની ટીમ તેમજ પોલીસની હાજરીમાં તમામ 25 યાત્રાળુઓનું ચેકઅપ કરી અને તમામને તેમના ઘરમાં હોમ ક્વોરોન્ટાઇન કરવાની કડક સૂચના આપી હતી. તેઓને વધુમાં જણાવ્યું હતું કે, આવતા 15 દિવસ સુધી તેઓએ તેમના ઘરમાં જ રહેવાનું છે. જો કોઈ ઘરની બહાર નીકળશે તો તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ તમામ યાત્રાળુઓને દરરોજ દ્વારકા મેડિકલ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. જેવું મેડિકલ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.