- ડેન્માર્કનાં એક NGO દ્વારા અપાય છે 'બ્લૂ ફ્લેગ બીચ'નો દરજ્જો
- 33 મુદ્દાઓની ચકાસણી બાદ શિવરાજપુરને અપાયું હતું સર્ટિફિકેટ
- 20 જાન્યુઆરીનાં રોજ મુખ્યપ્રધાન પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ખાતમુહર્ત કરશે
દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર ખાતેનો દરિયાકિનારોએ સ્વચ્છ, સલામત અને મનોહર છે. ત્યાં કુદરતનાં કુદરતનાં અદભુત સૌંદર્યનો નજારો જોવા મળે છે. ખૂબ સ્વચ્છ પાણી ધરાવતો આ શાંત દરિયાકિનારો ગુજરાતનો એકમાત્ર બીચ છે, જેને વિશ્વ વિખ્યાત 'બ્લૂ ફ્લેગ બીચ'નો દરજ્જો મળ્યો હોય. શિવરાજપુર બીચનો વિકાસ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પર્યટન, પર્યાવરણઅને સલામતીનાં માપદંડોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક ધોરણો(બ્લુ ફ્લેગ) અનુસાર તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આગામી 20 જાન્યુઆરીના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ખાતમુહર્ત કરશે.
કઈ કઈ સુવિધાઓ ઉભી કરાશે?
શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થતાં ગુજરાતનાં પ્રવાસનને વેગ પ્રાપ્ત થયો છે. જેના કારણે બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત આશરે રૂ. 20 કરોડના ખર્ચે અરાઈવલ પ્લાઝા, ઈન્ટરવેન્શન સેન્ટર, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, સાઈકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, પાથ-વે, સાઈનેજીસ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઈલેટ બ્લોક, ઈલેક્ટ્રીક વર્ક, અન્ડર ગ્રાઉન્ડ ટેંક સહિતની સુવિધાઓનું નિર્માણ કરાશે.