ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકા દરિયામાં ડોલ્ફિનના અદભુત દ્રશ્યો - Dwarka Sea

યાત્રાધામ દ્વારકાના દરિયામાં ડોલ્ફિનના અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. બેટ-દ્રારકા આવતા પ્રવાસીઓ માટે સમુદ્રમાં 'ડોલ્ફિન ડાઈવ' જોવાની અદભુત અનુભૂતિ મળી છે.

દ્વારકા દરિયામાં ડોલ્ફિનના અદભુત દ્રશ્યો
દ્વારકા દરિયામાં ડોલ્ફિનના અદભુત દ્રશ્યો

By

Published : Jan 5, 2021, 9:59 AM IST

  • દરિયાઈ જીવ સૃષ્ટિને જોવા અને જાણવા પણ લોકો આવે છે. સમૂદ્રીય
  • વિદેશી જળચર પક્ષીઓ નિહાળવા માટે પણ અહીં સારી જગ્યા છે
  • ડોલ્ફિનના ઝુંડ અહીં પાણીમાં મસ્તી કરતા જોવા મળે છે

દેવભૂમિ દ્વારકાઃ દ્વારકા જગત મંદિરના દર્શનાર્થે આવતા યાત્રીઓ ઓખાથી બોટમાં બેસીને બેટ જાય છે. નદી કે તળાવ જેવા જળાશયોમાં બોટીંગની સરખામણીએ આ પ્રવાસ દરિયામાં બોટમાં બેસીને જવાનું ખુબ રોમાંચક લાગે છે. બેટમાં અનેક કેમ્પસાઇટ આવેલી છે. સહેલાણીઓ યાત્રા ઉપરાંત અહીં બે-ત્રણ દિવસ રજાઓ ગાળવા આવી શકે એવી વ્યવસ્થા પણ છે. દરિયાઈ જીવ સૃષ્ટિને જોવા અને જાણવા પણ લોકો આવે છે. સમૂદ્રીય જીવસૃષ્ટી (marine life) માં રુચિ ધરાવતા લોકો બેટ કેમ્પની મુલાકાત અવશ્ય લે છે. આકાશ દર્શન અને ખગોળીય ઘટનાઓ નિહાળવા માટેની આ જગ્યા ખૂબ જ ઉત્તમ છે. હાલ અનેક પ્રવાસીઓ તેમજ સ્ટુડન્ટ કેમ્પ ચાલી રહ્યા હોય સારી એવી જિજ્ઞાસા જોવા મળે છે. વિદેશી જળચર પક્ષીઓ નિહાળવા માટે પણ અહીં સારી જગ્યા છે.

દ્વારકા દરિયામાં ડોલ્ફિનના અદભુત દ્રશ્યો

ઈશ્વરની લીલા જોયાની તૃપ્તિ થઈ જાય છે

સૌથી મોટું આકર્ષણ તો બોટમાં બેસીને બેટની આસપાસ થોડે દૂર જઇ ડોલ્ફિનની ડાઇવને જોવી એ અદભૂત અનુભવ રહે છે. ડોલ્ફિનનાં ઝુંડ અહીં પાણીમાં મસ્તી કરતા જોવા મળે છે. ડોલ્ફિન અહીં દરિયામાં વારાફરતી કમાન આકારે 10 થી 15 ફૂટની ઉંચાઈ સુધી છલાંગ મારતી જોવા મળે છે અને ડોલ્ફિનની ડાઈવ પછી ઊછળતું દરિયાનું પાણી એક અલૌકિક દ્રશ્ય ઉત્પન્ન કરે છે. આવું નિહાળવાનો લ્હાવો મળવો એ પરમાત્માના દર્શન જેટલી જ આહ્લાદકતા જન્માવે છે. દ્વારકાધીશના આ પવિત્ર યાત્રાધામની આસપાસ તેમજ કચ્છના અખાત (Gulf of kutch) તરફ સમુદ્રમાં બોટમાં સફર કરનારને કુદરતની લીલાનો સાક્ષાત્કાર થાય ત્યારે ધક્કો વસુલ થયા જેવું નહીં પરંતુ ઈશ્વરની લીલા જોયાની તૃપ્તિ થઈ જાય છે.

દ્વારકા દરિયામાં ડોલ્ફિનના અદભુત દ્રશ્યો

વિદેશી જળચર પક્ષીઓ નિહાળવા માટે પણ અહીં સારી જગ્યા છે

અહીંના દરિયામાં દેખાતી ડોલ્ફિનને સ્થાનિક માછીમારો 'મલારીયો' ના નામથી ઓળખે છે. ડોલ્ફિન સામાન્ય રીતે 15 થી 20 વર્ષનું આયુષ્ય ધરાવતી કોમળ તેમજ સસ્તન દરિયાઈ પ્રાણી છે. તે માછલી નથી પરંતુ દરિયાઈ પ્રાણી જ છે. ડોલ્ફિન બુદ્ધિશાળી પ્રાણી છે અને તેમની સાંભળવાની ક્ષમતા મનુષ્ય કરતાં અનેક ગણી વધારે હોય છે. બોટમાંથી ડોલ્ફિન નજરે પડતાં પ્રવાસીઓ આનંદની ચિચિયારીઓ પાડી વાતાવરણને ગુંજાવી મુકે છે. આ બધા અવાજોથી ડોલ્ફિન પ્રોત્સાહિત થતી હોય તેમ અને સ્ટેજ શો કરતી હોય તેમ ખુશીથી ઉંચી છલાંગ લગાવે છે, ત્યારે જલપરીથી કમ નથી લાગતી! ટૂંકમાં દેવભૂમિ દ્રારકા જિલ્લાનો દ્રારકા- ઓખામંડળ તાલુકો યાત્રાધામ તરીકેતો વિખ્યાત હતો જ પરંતુ હવે સીગ્નેચર બ્રીજ, શિવરાજપુર બ્લુ ફલેગ બીચ અને બેટની આસપાસનાં સમૂદ્રમાં ઉછળકૂદ કરતી ડોલ્ફિન માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ ઉભી કરશે તેમ ચોક્કસ કહી શકાય.

ABOUT THE AUTHOR

...view details