- દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
- આરાધના ધામ પાસે કારમાંથી અંદાજિત 66 કિલોનો ડ્રગ્સનો જથ્થો
- દ્વારકા SOG અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે
દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં ખંભાળિયા હાઈવે પરથી ડ્રગ્સ (Drugs) નો જથ્થો મળી આવ્યો છે. જેમાં ખંભાળિયા આરાધના ધામ પાસે કારમાંથી અંદાજિત 66 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેની કિંમત 350 કરોડથી વધુની જણાવાઈ રહી છે. આ ડ્રગ્સ સમુદ્ર રસ્તે આવી રહ્યું હોવાની બાતમી મળી હતી. જેમાં દ્વારકા SOG અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે. આ અગાઉ મુદ્રા પોર્ટ પર પણ ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો.
છેલ્લા 2 દિવસમાં સુરત અને અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
પોલીસની સતર્કતાથી હાલ ડ્રગ્સ (Drugs) માફિયાઓનો ધંધો મુશ્કેલ બન્યો છે. રાજ્યમાં એક બાદ એક રેકેટ પકડાતા નશાખોરોની હાલત ખરાબ થઈ છે. આ સાથે જ ભારતમાં નશીલા પદાર્થો વેચવાનો પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસમાં સુરત અને અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આજે 16 કિલો હેરોઈન સાથે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો દ્વારકાથી ઝડપાયો છે.
અર્જુન મોઢવાડિયાએ ડ્રગ્સને મામલે સરકારને આડે હાથે લીધી
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ડ્રગ્સને મામલે સરકારને આડે હાથે લીધી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ગુજરાતમાં ડ્રગ્સનો સપ્લાય બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આજે દ્વારકામાં 66 કિલો (રૂપિયા 3.50 કરોડ) ડ્રગ્સ ઝડપાયું હતું. જેઓ 66 ગ્રામ દવા પર મગરના આંસુ વહાવે છે તેઓ મુન્દ્રાના 21000 કિલો કે 66 KG પર કંઈ કહેશે નહીં. ભાજપની સરકાર ગુજરાતમાં ડ્રગ માફિયાઓને રોકવામાં ભાજપ નિષ્ફળ નિવડી છે.
દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો વાડીનાર નજીકથી એક આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભૂતકાળમાં દાણચોરી અને કેફી દ્રવ્યો તેમજ હથિયારોની ઘૂસણખોરીનું કેન્દ્ર રહ્યો છે. ફરી વખત સ્થાનિક પોલીસની જુદી જુદી શાખાઓ સક્રિય થઈ સુવ્યસ્થિત ચાલતા દ્રગ્સ કૌભાંડને પકડી પાડ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા એલસીબી અને એસઓજી દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ સુત્રોમાંથી સાંપડ્યા છે. ખંભાળિયા નજીકથી એક રાજસ્થાની શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા એસપી સુનિલ જોશીએ માહિતી આપી છે. વાડીનાર નજીકથી એક આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તંત્ર દ્વારા સઘળું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
દ્વારકા જિલ્લામાંથી પકડાયેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સના મામલે આજે સવારથી જ સઘળું ચેકીંગ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લા SP દ્વારા દ્વારકા જિલ્લાના તમામ બંદરો તેમજ ચેક પોસ્ટ એલર્ટ કરવામાં આવ્યા છે. બધા બંદરો અને ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દ્વારકાના ખોડિયાર ચેક પોસ્ટ, રૂપેણ બંદર ચેકપોસ્ટ, ઓખા મરીન ચેક પોસ્ટ, ચરકલા ચેક પોસ્ટ તેમજ સલાયા ચેક પોસ્ટ જેવા બંદરોના તમામ ચેક પોસ્ટ પર સઘન સુરક્ષા હાથ ધરવામાં આવી છે.