- વોર્ડ- નંબર 2 માં ETV BHARATનું રિયાલીટી ચેક
- ETV BHARATએ વોર્ડ નં.2નાં કોર્પોરેટરને વિકાસના કામોને લઈને અનેક સવાલો કર્યા
- ETV BHARATની ટીમે વોર્ડની મુલાકાત લઈને સમસ્યા અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું
દેવભૂમિ દ્વારકા : જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નં. 2માં વર્ષ 2016થી 2020 દરમિયાન નગરપાલિકાની વિવિધ યોજનાઓ અંતર્ગત પાંચ કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે પૈકી 2.75 કરોડને ખર્ચે ટાઉનહોલ, સિનિયર સિટિઝન પાર્ક સહિત અલગ અલગ વિસ્તારોમાં પેવર બ્લોક, રસ્તાઓ અને સ્ટ્રીટ લાઈટ વગેરેનું કામ કરવામાં આવ્યું હતું.
શ્રીમંતોને ત્યાં પૂરતી સાફસફાઈ, ગરીબોને ત્યાં ગંદા પાણીનાં ખાબોચિયાં
વોર્ડ નં. 2ની આજની રૂબરૂ મુલાકાતમાં વોર્ડનાં મોટાભાગનાં રસ્તાઓ સારી હાલતમાં જોવા મળ્યા હતાં. અમુક જ વિસ્તારોમાં ધૂળિયા માર્ગ જોવા મળ્યા હતા. સફાઈનું નિરીક્ષણ કરતા શ્રીમંત વિસ્તારોની શેરીઓમાં ચકાચક સફાઈ જોવા મળી હતી. જ્યારે, પછાત વિસ્તારોની શેરીઓમાં ગટરના પાણી, ગંદકી અને અમુક જગ્યાએ તો ગન્દા પાણીનાં ખાબોચિયાઓ પણ જોવા મળ્યા હતા. આ સિવાય વોર્ડમાં આવેલા ત્રણ જાહેર શૌચાલય પૈકી બે શૌચાલય બંધ હાલતમાં મળી આવ્યા હતા.
વોર્ડમાં સિનિયર સિટિઝન પાર્ક અને ટાઉનહોલનું કામ અફલાતૂન છે. અમુક વિસ્તારમાં એવો પણ અવાજ ઉઠ્યો છે કે, પહેલા આખા વોર્ડમાં પાયાની સુવિધા પૂરી પાડવામાં આવે અને ત્યારબાદ જે પાર્ક બનાવવા હોય તે બનાવવામાં આવે કેટલાક લોકો વોર્ડના છેવાડાનાં વિસ્તાર સુધી વિકાસની સુવાસ પહોંચાડવામાં નગરપાલિકા ઉણી ઉતરી હોય તેવું માની રહ્યાં છે. જયારે અનેક લોકો નગરપાલિકાના કામથી સંતુષ્ટ પણ જોવા મળ્યા હતા.