દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલા ઘડેચી ગામ ગામના 150થી વધુ ખેડૂતોના ખેતરોમાં બે માસથી વરસાદી પાણી ભરાયેલા હોવાથી ચોમાસુ , શિયાળુ અને ઉનાળુ પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સાથે પશુપાલન ધંધા પર માઠી અસર થતાં શુક્રવારે ખેડૂતોએ દ્વારકાના પ્રાંત અધિકારી, દ્વારકા મામલતદાર, દ્વારકા ટી.ડી.ઓ. અને દ્વારકા તાલુકા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર આપ્યું હતું.
દ્વારકામાં ખેડૂતોએ આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી - boycott the elections
દ્વારકા તાલુકાના ઘડેચી ગામે ખેત પેદાશ અને પશુ પશુપાલન બંને રોજીરોટી પર માઠી અસર થતાં ખેડૂતોએ આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં ખેડૂતોએ જણાવ્યું કે, બે માસથી વધુ સમય થયો હોવા છતાં તેમના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. તેમજ વર્ષની ત્રણેય મોસમ નિષ્ફળ ગઈ સાથે સાથે વરસાદી પાણીના ભરાવાને કારણે પશુધનનું પણ પેટ ભરવું મુશ્કેલ બન્યું છે માટે તંત્ર દ્વારા આ પ્રશ્નનો ઝડપથી નિકાલ આવે તે અંગેનું દ્વારકા તાલુકાની ત્રણેય સરકારી કચેરીઓમાં આવેદનપત્ર આપીને પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું કે, તંત્ર દ્વારા ટૂંક સમયમાં આ સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિધ્યા માર્ગે અને ભવિષ્યની તમામ ચૂંટણીઓ ગામ દ્વારા બહિષ્કાર કરવામાં આવશે.