દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રવિવારે ર૪ કલાક દરમિયાન પડેલા ત્રણ ઈંચ વરસાદ સાથે 19.5 કુલ ઈંચ વરસાદ નોંધાયો છે અને હજુ વરસાદની આગાહી પણ બે દિવસની છે.
ખંભાળિયામાં વધુ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત ખંભાળિયામાં ભારે વરસાદ પડતા તળાવો, ચેકડેમો મોટાભાગના ચિક્કાર થઈ ગયા છે. જિલ્લાના ઘી ડેમ, સિંહણ ડેમ તથા સેઢા ભાડથરી ડેમ સહિતના ડેમોમાં પણ પાણીની નોંધપાત્ર આવક થઈ છે.
અત્યાર સુધીની મોસમમાં વરસાદના આંકડા જોઈએ તો ખંભાળિયામાં 35 ઈંચ, ભાણવડ 21 ઈંચ, કલ્યાણપુર 14 ઈંચ છે અને છેવાડાનો જિલ્લો દ્વારકામાં 13 ઈંચ વરસાદ પડ્યો છે. જો કે, ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ સારો પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આજે સોમવારે ખંભાળિયામાં બપોરના સમયે ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખંભાળિયાના રસ્તા પર નદીની જેમ વહેતા પાણી જોવા મળ્યા છે. આજે બપોરના સમયે ખંભાળિયામાં વધુ બે ઇંચ વરસાદ ખાબક્યો છે, ખંભાળિયામાં બે દિવસમાં 22 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સતત બે દિવસથી મેઘપ્રકોપથી જનજીવન અસ્ત વ્યસ્ત જોવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા પંથકમાં અતિભારે વરસાદના કારણે રાવલથી કલ્યાણપુરનો રસ્તો બંધ થતાં વાહનચાલકો પરેશાન થયા છે.
સમગ્ર હાલાર પંથકમાં મેઘરાજા મહેરબાન
- જામ ખંભાળિયા - 19.5 ઈંચ
- દ્વારકા - 11 ઈંચ
- ભાણવડ - 8 ઈંચ
- જામજોધપુર - 4.5 ઈંચ
- કાલાવડ - 4 ઈંચ
- ધ્રોલ - 3.5 ઈંચ
- જોડિયા - 1.5 ઈંચ
- જામનગર શહેર - 1.5 ઈંચ