4 કરોડની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા : યાત્રાધામ હર્ષદ ખાતે 3 દિવસથી સતત ચાલી રહેલ મેગા ડીમોલિશનની મોટાભાગની કાર્યવાહી પૂર્ણતાના આરે પહોંચી છે. આજે ત્રીજા દિવસે દબાણો તોડાતાં ભેગા થયેલા કાટમાળને ઉપાડવાની પ્રકિયા તંત્ર દ્વારા હાથ ધરાઈ છે. હર્ષદ બંદર પરનું ગેરકાયદે બાંધકામ દૂર થતાં હર્ષદના દરિયાઈ વિસ્તારમાં કાટમાળ સાથે આસપાસ ખુલ્લું વિશાળ મેદાન જોવા મળ્યું છે જેના ડ્રોનથી લેવાયેલા દ્રશ્ય પણ જોવા મળ્યાં છે. જેમાં પોલીસ તેમજ રેવન્યૂ વિભાગની મહેનતને સુંદર સફળતા મળી રહેલી દેખાય છે. શાંતિપૂર્ણ રીતે ત્રણ દિવસથી આ મેગા ડિમોલેશન ચાલુ છે, જેમાં મોટાભાગનું દબાણ દૂર કરી દેવાયું છે.
ઉચ્ચ અધિકારીઓએ કરી કાર્યવાહીની સમીક્ષા: યાત્રાધામ હર્ષદ ખાતે ચાલી રહેલા મેગા ડિમોલેશનમાં રેન્જ આઈ જી અશોક યાદવ હર્ષદ બંદરે આવી પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ ડીમોલિશન કામગીરીની માહિતી મેળવી હતી. ડીમોલિશન સ્થળની મુલાકાત લઇ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. મામલતદાર તેમજ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સાથે કરી ચર્ચા હતી. રેન્જ આઈ જી દ્વારા વિવિધ ડિમોલેશન સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો Mega Demolition યાત્રાધામ હર્ષદમાં મેગા ડિમોલિશન, તંત્રએ પોલીસ સાથે મળી કરોડોની જમીન ખાલી કરાવી
250 ગેરકાયદે બાંધકામ તોડી પડાયાં : ડીવાયએસપી સમીર શારદાના જણાવ્યા મુજબ હાલ દબાણ દૂર કરવાના ત્રીજા દિવસના અંતે એસપી નિતીશ પાંડેની આગેવાની હેઠળ 2 dysp, 20 જેટલા પીઆઈ, અને 800 જેટલા પોલીસ કર્મચારીના બંદોબસ્તમાં 250થી વધુ મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ દબાણ દૂર કરવાનું કારણ જણાવતાં કહ્યું કે આ બધું બાંધકામ સરકારી જગ્યા પર કરવામાં આવ્યું છે અને દરિયાઈ વિસ્તારનો આ ભાગ નેશનલ સિક્યોરિટીની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો હોવાથી આ દબાણ દૂર કરવું જરૂરી હતું.
4 કરોડની સરકારી જમીન દબાણમુક્ત : હર્ષદ ખાતે ગેરકાયદે 250 બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે જેમાં 186 રેસિડેન્ટ અને 56 કોમર્શિયલ તેમજ 4 ધાર્મિક દબાણો દૂર કરી દેવાયા છે. 4 કરોડની કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરી દેવાયા છે. આશરે 9 લાખ ચોરસ ફૂટ જમીન પર દબાણો તોડી પાડવામાં આવ્યા છે. મેગા ડિમોલેશનમાં રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી અને 800 પોલીસ સ્ટાફ આ મેગા ડિમોલેશનમાં કામે લાગ્યો હતો.
આ પણ વાંચો Gujarat Drugs Case: ATS-કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાંથી 425 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, 5 ઈરાનના શખ્સો ઝડપાયા
રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વની કાર્યવાહી કરવામાં આવીઆપને જણાવીએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલ ધાર્મિક સ્થળ હર્ષદ, ગાંધવી નજીકના દરિયા કિનારા આસપાસ સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે ખાસ મેગા ડીમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક ધોરણે 122 જેટલા રહેણાક મકાન સહિત 20 જેટલા કોમર્શિયલ સ્થળો પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા કાયદેસર નોટિસ પાઠવ્યાં બાદ લોકો સ્વેચ્છાએ જગ્યા ખાલી કરતાં પણ દેખાયાં હતાં. આ જમીન રાષ્ટ્રીય સુરક્ષા હેતુસર પણ મહત્ત્વની હોઇ અતિસંવેદનશીલ મામલો બનતો હોવાથી પોલીસના મોટા કાફલા સાથે મેગા ડીમોલિશન 12 માર્ચથી હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા એસપી નિતીશ પાંડેની નિગરાનીમાં મેગા ડીમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં જેસીબી હિટાચી જેવા મોટા મશીનોથી ગેરકાયદે દબાણ દૂર કરી દરિયાઈ પટ્ટી પરની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.