ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નાગરિકોને અપાવ્યો વિશ્વાસ, જુઓ શું કહ્યું... દ્વારકા: રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર પર સંભવિત વાવાઝોડા બિપરજોયનો ખતરો તોળાઇ રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની રાહબરી તેમજ જિલ્લા કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.
સુરક્ષા માટે તંત્ર સજ્જ :લોકોની સુરક્ષા તેમજ બચાવ-રાહત કાર્ય માટે જિલ્લામાં ૩૦૦થી વધુ પોલીસ અધિકારીઓ, જવાનો તેમજ ૫૦૦થી વધુ GRD, SRD જવાનો તૈનાત કરાયા છે. દરિયા કાંઠે ચુસ્ત પોલીસ સુરક્ષા ગોઠવાઈ છે. દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આશરે ૩૫૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. આજે સવારે કેન્દ્રીય પશુપાલન પ્રધાન પરષોત્તમ રૂપાલા દ્વારકા આવી રહ્યા છે. જ્યારે પ્રભારી સચિવ પ્રવીણ સોલંકી પણ દ્વારકામાં છે.
NDRF-SDRF ટુકડી તૈનાત:હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં NDRF તથા SDRF બે-બે ટુકડી તૈનાત કરી દેવામાં આવી છે. જેમાંથી ૨૫ જવાનો તેમજ અધિકારીઓ સહિત ૩૦ લોકોના સંખ્યાબળની NDRF ની એક ટીમ દ્વારકામાં છે. જ્યારે ૨૨ જવાનો સહિત ૨૫નું સંખ્યાબળ ધરાવતી SDRF ની એક ટીમ દ્વારકા જ્યારે બીજી ટીમ રાવલ નગર માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
આગોતરુ આયોજન:જિલ્લા આરોગ્ય વિભાગે આગોતરો સર્વે કરીને ૧૪૯ પ્રસૂતાઓને સલામત સ્થળે ખસેડી છે. જેમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૬૦ સગર્ભાઓની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ છે. સગર્ભાઓના સ્થળાંતર માટે ૫૦ જેટલી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં આકસ્મિક આરોગ્ય સેવાની તૈયારી કરવામાં આવી છે. જેના ભાગરૂપે નવ મેડીકલ ટીમ તથા ૯ ડોકટરોની પ્રતિ નિયુક્તિ કરવામાં આવી છે. આ ટીમ અલગ અલગ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. નિષ્ણાંત તબીબી સેવાઓ માટે સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં વધારાની એક તબીબી મેડીકલ ટુકડીની પ્રતિનિયુક્તિ કરવાનો આદેશ કરાયો છે. જેમાં ઓર્થોપેડિક સર્જન, એનેસ્થેટીક વગેરે ડોકટરોનો સમાવેશ થશે. જેથી નાની મોટી કોઈપણ ઈજાની સારવાર સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં થઈ શકશે.
આરોગ્ય વિભાગની કામગીરી: ડાયાબીટીસ અને હાયપરટેન્શનના ૧૪૦૨૯ દર્દીઓને તેમના ઘરે જઈને બે અઠવાડિયાની દવાઓ પહોચાડવાની કામગીરી કરાઈ રહી છે. અતિકુપોષિત ૬ બાળકોને ઘરે પૌષ્ટિક ભોજન પહોંચાડયું છે. જિલ્લાના કુલ ૧૨૭ દર્દીઓ ડાયાલીસીસ સારવાર હેઠળ છે. જેમાં કુલ ૪૪ દર્દીઓ એવા છે કે જેના મંગળવારે અને બુધવારે ડાયાલીસીસ થવાના છે, એવા તમામ દર્દીઓને તેમના સેન્ટર ઉપર સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તંત્રનું ટીમવર્ક: જિલ્લામાં રોડ પર પડેલા વૃક્ષો, વીજપોલ, હોર્ડિંગ્સ હટાવવા માટે માર્ગ અને મકાન વિભાગની ટીમ ખડેપગે કામ કરી રહી છે. જ્યારે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા તેમજ સંલગ્ન વ્યવસ્થા માટે પીજીવીસીએલના બંને ડિવિઝન દ્વારા ટીમોની રચના કરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સંકટના સમયમાં પ્રવાસીઓની મદદ કરવી એ આપણા સૌની જવાબદારી છે. દ્વારકાધીશના દર્શન કરવા આવતા યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે વહીવટી તંત્રને સહયોગ આપી આપણે સૌ આવનારા સંકટ સામનો કરવો જોઇએ. દિવ્યાંગ, બાળકો, મહિલાઓ તથા વયોવૃદ્ધ વ્યક્તિની તકેદારી રાખવી. પ્રવાસીઓને પવન ફૂંકાઇ ત્યારે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવે છે. ઇમરજન્સી સમયે વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેની તકેદારી રાખવી. તેમજ સૌ સાથે મળી વાવાઝોડાં રૂપી સંકટ સામનો કરવો.--- હર્ષ સંઘવી (ગૃહ રાજ્ય પ્રધાન)
મધદરિયે રેસક્યુ:ઓખાના મધદરિયે વેદાંતા કંપનીના ઓઇલ રીગમાં ૫૦ કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. કોસ્ટ ગાર્ડ દ્વારા કર્મચારીઓને એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૧૮ જેટલા કર્મચારીઓને એરલીફ્ટ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
દ્વારકાધીશના સાનિધ્યમાં બેઠક:હર્ષ સંઘવીએ આજે દ્વારકાના મંદિરમાં શહેરના વ્યાપારીઓ તથા વિવિધ સમાજના આગેવાનો સાથે સંભવિત વાવાઝોડાની અસરને લઈને મીટીંગ યોજી હતી. જિલ્લા કલેકટર કચેરી, ખંભાળિયા ખાતે કાર્યરત કંટ્રોલરૂમ દ્વારકા ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ, તલાટી વગેરેનો સંપર્ક કરીને માહિતી મેળવીને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ દ્વારકાના વરવાળા સ્થિત સાયકલોન સેન્ટરની મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત નાગરિકોને સરકાર હંમેશા તેમની સેવા તથા સલામતી માટે પ્રતિબદ્ધ છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
શાળાઓમાં રજા:આ પહેલા હર્ષ સંઘવીએ વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તાર તેમજ ઓખા જેટીની મુલાકાત લીધી હતી. તેઓ વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, શાળાઓમાં તા. ૧૬-૦૬-૨૦૨૩ સુધી રજા જાહેર કરવામાં આવી છે.
- Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડુ નજીક, ગીર સોમનાથના મૂળ દ્વારકામાં સ્થળાંતર કામગીરી
- Cyclone Biparjoy: કોડીનાર નજીક દરિયાનું રોદ્ર સ્વરૂપ, મૂળ દ્વારકા ગામમાં ઘૂસ્યા દરિયાના પાણી, ગામજનોને 1982 બાદ સૌથી મોટી હોનારતનો ખતરો