દેવભૂમિ દ્વારકા: ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પૂછવામાં આવ્યું હતું કે, આઝાદીના 70 વર્ષ પછી પણ એક પણ કોલેજ દ્વારકામાં નથી. પાંચ વર્ષ પહેલાં પણ આવો એક સવાલ ઇ.ટી.વી. દ્વારા આ પ્રશ્ન પુછવામાં આવ્યો હતો, ત્યારે આ પ્રશ્નના જવાબમાં પાંચ વર્ષ પહેલા આપેલો જવાબ ચુડાસમાએ રિપીટ કર્યો હતો અને કહ્યું કે, "તમારી લાગણીને ધ્યાનમાં લઈશું."
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પાંચ વર્ષ પહેલા આપેલો જવાબ ફરીથી રિપીટ કર્યો, " તમારી લાગણીને ધ્યાનમાં લેશુ." શિક્ષણ પ્રધાને દ્વારકાધીશના દર્શન બાદ વધુમાં જણાવ્યું હતું કે, દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી કે, જેમ બને તેમ ઝડપથી ભારતમાં કોરોના વાઇરસની મહામારી નાબૂદ થઇ જાય અને દેશનું સમાજ જીવન કોરોનાથી મુક્ત થાય.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં વિજય રૂપાણી દ્વારા કોરોના મહામારી સામે સમયસર કામગીરી કરવામાં આવી છે. તેમજ આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ અને રેવન્યુ વિભાગ દ્વારા મહામારીના સમયે ફરજ નિભાવી તેના બદલ તેમને અભિનંદન આપું છું.
ગુજરાતમાં ચાલતા ફી ભરવાના વિવાદ અંગે ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ફી મુદ્દે હાઈકોર્ટના ચુકાદા બાદ સુપ્રીમમાં જવાની નથી. આગામી દિવસોમાં હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું. ઓનલાઇન શિક્ષણ અંગે શિક્ષણ પ્રધાને ગુજરાત સરકારના વખાણ કરતા જણાવ્યું કે, માર્ચ માસથી જ ગુજરાત સરકાર જનજાગૃતિ અને સારી કામગીરી કરી છે.