દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં કોરોના વાઇરસના કેસો દિવસેને દિવસે વધતા જાય છે, ત્યારે ગુજરાતના છેવાડાના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના પ્રાંત અધિકારી છેલ્લા ત્રણ ચાર દિવસથી તાવ અને શરદીની તકલીફ થતાં રવિવારે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવાર સુધી કુલ 34 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે સોમવારે દ્વારકાના પ્રાંત અધિકારી સહિત ખંભાળિયાના 2 કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ આંક 37 થયો છે.
દેવભૂમિ દ્વારકા કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 34
- કુલ સક્રિય કેસ - 8
- કુલ ડિસ્ચાર્જ - 25
- કુલ મૃત્યુ - 3
દ્વારકા તાલુકાના પ્રાંત અધિકારી છેલ્લા બે ત્રણ દિવસ થયા તાવ અને શરદીની ફરિયાદ હોવાથી ચેકઅપ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોમવારે તેમને ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તેમજ દ્વારકાની પ્રાંત કચેરીને પણ સેનિટાઈઝ કરવામાં આવશે અને પ્રાંત કચેરીના તમામ કર્મચારીઓના સેમ્પલ લેવામાં આવશે. દ્વારકા આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે પ્રાંત અધિકારીના ઘરની આસપાસના લોકોના પણ સ્ક્રિનિંગ કરશે.
દ્વારકા પ્રાંત અધિકારી કોરોના પોઝિટિવ આવતા તેમના રહેણાંક બિલ્ડિંગના અંદાજે 11 મકાનોને માઈક્રો કન્ટન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમના મકાનની આજુબાજુના વિસ્તારને પણ બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
દ્વારકા આરોગ્ય અધિકારી અંકિતાબેન ગોશ્વામીના જણાવ્યા અનુસાર, દ્વારકાના પ્રાંત અધિકારીની પંદર દિવસની હિસ્ટ્રી ચેક કરવામાં આવશે, તેમજ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવશે.