દ્વારકાના સ્મશાન રોડ પર આવેલા સ્વામીનાયારાયણ મંદિરમાં 1 મહિના પહેલા સફાઈ કરતી મહિલાએ મંદિરના મુખ્ય મહંત સ્વામી દ્વારા એક મહિનાથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ 181 અભયમ્ પર કરી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ 181 અભયમ્ની ટીમ સ્વામીનાયારાયણ મંદિર દોડી આવી હતી અને મહિલાનું નિવેદન લઈને દ્વારકા પોલીસને કેસ સોંપ્યો હતો.
દ્વારકામાં સ્વામીનારાયણ મંદિરના મુખ્ય મહંત પર મહિલાએ દુષ્કર્મની ખોટી ફરીયાદ નોંધાવી - DWR
દેવભૂમિ દ્વારકાઃ સ્વામી નાયારાયણ મંદિરના 85 વર્ષના મહંત પર મંદિરમાં સફાઈ કરનારી મહિલાએ દુષ્કર્મ આચર્યાની 181માં ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદ મહિલાએ મોડી સાંજ સુધીમાં પરત ખેંચી લીધી હતી.
દ્વારકા પોલીસ દ્વારા મહિલા તેમજ તેના પતિની પૂછતાછ કરતા બંનેએ મહંત સ્વામી છેલ્લા એક મહિનાથી દુષ્કર્મ આચરતા હોવાનું જણાવ્યું હતું, પરંતુ દ્વારકા પોલીસે તપાસમાં ફરિયાદ ખોટી હોવાની શંકા ગઈ હતી, પરંતુ મહિલા પોતાના પર દુષ્કર્મ થયું હોવાનું રટણ ચાલુ જ રાખ્યું હતું. તેથી પોલીસ દ્વારકાના સામાજિક કાર્યકર હેમાબહેનને બોલાવીને ફરયાદી મહિલાને એકાંતમાં સમગ્ર હકીકત પૂછતા મહિલાએ પોતાના પર કોઈ પણ દુષ્કર્મ નથી થયું હોવાનું કબુલ્યું હતું. સાથે જ સમગ્ર હકીકત જણાવતા કહ્યું હતું કે, પોતાનો 3 વર્ષનું બાળક વારંવાર મંદિરના મહંત પાસે પ્રસાદ લેવા જતો હતો, ત્યારે મહંત દ્વારા બાળકને અપશબ્દો બોલવામાં આવતા હતા અને મહિલાને નોકરી ઉપરથી કાઢી મુકી હોવાથી ખોટી ફરિયાદ કરવાનું નાટક રચ્યું હતું.
સામાજિક કાર્યકર પાસે મહિલાએ પોતાની ફરિયાદ ખોટી હોવાનું કબુલ કરતા દ્વારકા પોલીસે મહિલાનું નિવેદન લઈને જવા દીધી હતી. ત્યારે મંદિરના મુખ્ય સ્વામી પર મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ કરી હોવાની જાણ થતાં ભક્તો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. સવારે થયેલી ફરિયાદ મોડી સાંજે ખોટી હોવાનું જાહેર થતા ભક્તોએ હાશકારો અનુભવ્યો હતો.