- ખેતરોમાં દૂષિત પાણી છોડવા મામલે ખેડૂતોએ અનેક વખત પ્રદુષણ બોર્ડને ફરિયાદો કરી
- ખેડૂતોની આશરે 300 વીઘા જેટલી જમીન આવેલી છે
- ખેડૂતોના ખેતરોની દશા બગડી છે
દેવભૂમિ દ્વારકાઃ કુરંગા સ્થિત આવેલી RSPL ઘડી કંપની વિરુદ્ધ ખેડૂતો ખેતરે જવાના રસ્તા અને પ્રદુષણ મામલે ન્યાયની માગ કરી રહ્યા છે. ખેડૂતોએ રસ્તા મામલે મામલતદારના હુકમ સામે પ્રાંત કચેરી દ્વારકા ખાતે રિવિઝન અરજી કરેલ હતી, જે પ્રાંત અધિકારીએ નામંજૂર કરતા ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, આંતરિક રસ્તા અને રાજમાર્ગ અબાધિત હક્ક હોવા છતાં નીતિ નિયમો નેવે મૂકી આ અરજી ફગાવી દેવામાં આવી છે. ખેડૂતોનો હક્ક છે તે મળતો નથી. કંપની એનકેન પ્રકારે ખેડૂતોને દબાવી રહી છે અને ખેતરે જવામાં મુશ્કેલી ઉભી કરી રહી છે.
ખેડૂતોનો RSPL કંપની વિરૂદ્ધ રોષ
RSPL ઘડી કંપની કુરંગા ખાતે સોડાએશ પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે. કંપનીની હદમાં ખેડૂતોની માલિકીની જમીન આવેલી છે, જ્યાં ખેડૂતોને જવામાં ભારે મુશ્કેલી કંપની દ્વારા આપવામાં આવી રહી છે. કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં પ્રદુષિત પાણી છોડવામાં આવતું હોવાથી ખેતરોમાં ખેતી થઈ શકે તેવું રહ્યું નથી. ખેતરોમાં દૂષિત પાણી છોડવા મામલે ખેડૂતોએ અનેક વખત પ્રદુષણ બોર્ડને ફરિયાદો કરી છતાં પ્રદુષણ બોર્ડના અધિકારીઓ કંપની સામે પગલાં લેવામાં ખચકાટ અનુભવી રહ્યા હોય તેવો ઘાટ ઘડાય રહ્યો છે.