દ્વારકાધીશ મંદિરનો મહત્વનો નિર્ણય, હવે શિખરે છ ધ્વજાજી ચડાવવામાં આવશે દેવભૂમી દ્વારકા :દ્વારકા મંદિરની વર્ષોથી પરંપરા છે કે રોજ નિયમિત સમયે પાંચ ધજા ચઢતી હોય છે. મોટાભાગના મંદિરોમાં ધજા ચડાવવા માટે સીડીઓ હોય છે, પરંતુ દ્વારકા મંદિરનું એવુ નથી. દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે. આ માટે પાંચથી છ પરિવારો છે, જેઓ વારા ફરતી મંદિર પર રોજની 5 ધજા ચડાવવાનુ કામ કરે છે. ત્યારે દ્વારકાધીશ મંદિર દ્વારા આજરોજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
ધ્વજા ચડાવવા માટે સાહસ : જે અબોટી બ્રાહ્મણો મંદિર પર ધજા ચડાવવાનુ કામ કરે છે, તેમની ખાસિયત એ છે કે તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ એક પ્રકારનું મોટુ સાહસ છે. જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર ચઢીને ધજા ચઢાવવી એ કોઈ જોખમ અને સાહસથી ઓછું નથી. મંદિરના સીધા શિખર પર કપરા ચઢાણ કરવા પડે છે. છતાં ગમે તે મોસમ હોય, ગમે તેટલી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ વરસતો હોય, આ પ્રથા ક્યારેય તૂટતી નથી. અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચડાવવાનુ ક્યારેય ચૂકતા નથી.
પાંચ 52 ગજની ધજા : દ્વારકાધીશની મંગળા આરતી સવારે 7.30 વાગે, શ્રૃંગાર સવારે 10.30 વાગે, ત્યારબાદ સવારે 11.30 વાગે તેમજ સાંજની આરતી 7.45 વાગે અને શયન આરતી 8.30 વાગે થાય છે. આમ, આ સમય દરમિયાન દ્વારકાધીશ મંદિર પર દરરોજ પાંચ 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. મંદિરની પૂજા આરતી ગૂગળી બ્રાહ્મણ કરાવે છે, ત્યારબાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નવી ધ્વજા ચડાવ્યા બાદ જૂની ધ્વજા પર અબોટી બ્રાહ્મણોનો જ હકદાર હોય છે અને તે કપડાંથી ભગવાનનાં વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે.
ઐતિહાસિક નિર્ણય : દ્વારકાધીશ મંદિર દ્વારા આજરોજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ભગવાન દ્વારકાધીશના શિખરે આજથી છ ધ્વજાજી ચડાવવામાં આવશે. વર્ષોથી ચાલી રહેલા નિયમ અનુસાર ભગવાન દ્વારકાધીશના શિખર પર દરરોજ પાંચ ધ્વજાજીનું આરોહણ કરવામાં આવે છે. આજથી ભગવાન શ્રી દ્વારકાધીશના શિખર પર છ ધજાજી ચડવામાં આવશે. હાલ જે વાવાઝોડાની પરિસ્થિતિ હતી, તેના સંદર્ભે અનેક ભાવિકો ધ્વજાજીના દર્શનથી વંચિત રહ્યા હતા. તેમજ ઇતિહાસમાં પહેલીવાર દ્વારકાધીશના શિખર પર સતત ત્રણ દિવસ સુધી ધ્વજાજી ચડાવવામાં આવ્યા ન હતા.
મંગળા આરતીમાં ચાર ધ્વજા : હવેથી ભક્તો દ્વારા મંગળા સમયે ઠાકોરજીને ધજાજી અર્પણ કરી શિખર પર લહેરાવવામાં આવશે. દરરોજ સવારે ત્રણ અને સાંજે બે એમ કુલ 5 ધ્વજાજી ચડાવવામાં આવતા હતા, હવે સવારે મંગળા આરતી સમય દરમિયાન મળીને ચાર અને સાંજે બે એમ કુલ કરી છ ધ્વજાજી મંદિરના શિખર પર ચડાવવામાં આવશે.
- Devbhumi Dwarka News : દ્વારકાના 21 ટાપુઓ પર પ્રતિબંધ મૂક્યો, પરમિશન વગર કોઈ જઈ નહીં શકે
- Cyclone Biparjoy: દ્વારકા NDRF ટીમ-6 એ 72 નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા