દેવભૂમિ દ્વારકા :આજરોજ શનિ અમાસને લઈને સમગ્ર દેશની સાથો સાથ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના હાથલા મુકામે આવેલા પ્રાચીન શનિ મંદિરે શનિવાર અને સાથે અમાસના સંયોગની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામે શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે. જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગળાપુર માનવામાં આવે છે, તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ્યા હતા. રાજ્યના પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો સાગર સમાન પ્રવાહ શનિ અમાસના દિવસે આ ગામે પહોંચે છે. અહીંયા ભગવાન શનિદેવ મંદિરના પટાંગણમાં જ શનિકુંડ આવેલો છે.
ઐતિહાસિક સ્થળે વહેલી સવારથી ભક્તોની લાઈન : આજરોજ શનિવાર અને અમાસને લઈને આ ઐતિહાસિક સ્થળે વહેલી સવારથી જ સમગ્ર દેશમાંથી શનિભકતો ઉમટી પડયા હતા. તેમજ શનિદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ ભારતભરમાંથી આવેલા દર્શનાર્થીઓ શનિદેવની કૃપા પ્રાપ્ત કરી દૂર-દૂરથી ભક્તોએ અહીં આવીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરી રહયા હતા.
આ પણ વાંચો :દ્વારકામાં 'દેવભૂમિ કોરિડોર' હેઠળ ભગવાન કૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા બનશે