દ્વારકા: બિપરજોય વાવાઝોડાએ મચાવેલી તબાહી બાદ દ્વારકા જિલ્લામાં અનેક વિસ્તારોમાં વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. દ્વારકા જિલ્લામાં કુલ 8 જેટલાં શહેરો અને 236 જેટલાં ગામડાઓમાં અત્યારે વીજળી નથી. PGVCL તંત્ર અત્યારે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાના પગલે દ્વારકામાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને PGVCL દ્વારા ઘણા ફીડરો બંધ કરવામાં આવ્યા છે, જે તેજ પવનો ધીમા થયા બાદ ફરી શરૂ કરવામાં આવશે.
120 ટીમો દ્વારા કામગીરી: PGVCL કર્મચારીઓને સાઈટ પર રીપેરીંગ માટેની સાધન સામગ્રીઓ પહોંચતી કરવામાં આવી છે. જેના કારણે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી જગ્યા પર લાઇટ પુન: આવી ચૂકી છે. પવન સામાન્ય થતાની સાથે જ વીજ પુરવઠો યથાવત કરવાની કામગીરી ઝડપી અને ચોક્કસ બને તેની કામગીરી હાથ ધરી છે. જિલ્લામાં અત્યારે કુલ 120 ટીમો ઉપલબ્ધ કરવામાં આવી છે તેમજ બહારથી 80થી વધુ ટીમોને બોલવામાં આવશે.
" ગઈ કાલ રાત્રેથી 100થી વધુની ઝડપે પવન ફૂંકાવાના કારણે સલામતીના ભાગરૂપે અમુક ફિડરો બંધ કરવાની ફરજ પડી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતાં 15 જેટલાં સબ સ્ટેશનો સંપૂર્ણપણે ડાર્કમાં છે. 8 જેટલી લાઈનોમાં ટ્રાન્સમિશન ટાવર પડી ગયા છે અને અમુક જગ્યાએ ડીપી સ્ટ્રકચર પણ પડી ગયા છે. આ વાતને ધ્યાને રાખીને જેટકોની ટીમો સતત લાઇન પેટ્રોલિંગમાં લાગી ચૂકી છે." - આર.જે.વાળા, ચીફ એન્જનિયર, PGVCL
ભારે પવનનાં કારણે પોલ રિપેર કરવા મુશ્કેલ: વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના આયોજન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, વોટર ફેસીલીટી, જરૂરી સરકારી ઓફિસો, શહેરી વિસ્તાર, જ્યોતિગ્રામ યોજના અને બાદમાં ખેતી માટે વીજ પુરવઠાની સેવા યથાવત કરવામાં આવશે. અત્યારે ભારે પવનનાં કારણે પોલ રિપેર કરવા અતિ મુશ્કેલ છે. પવન સામાન્ય થશે ત્યારે ટીમો કામે લાગી જશે. જરૂરી વીજપોલો સાઈટ પર પહોંચી ગયા છે. આ સાથે જરૂરી ફેબ્રીકેશન મટીરીયલ, વાયર, તાણીયા, ડિસ્ટ્રીબ્યુશન બોક્સ સહિતની સાધન સરંજામ પણ પૂરતી માત્રામાં તૈયાર રખાયો છે. જેથી વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય.
નાનામાં નાના પ્લાનિંગ સાથે કામગીરી: આમ જિલ્લામાં વીજ પુરવઠો પુન: કાર્યરત કરવા પી.જી.વી.સી.એલ.ની ટીમો નાનામાં નાના પ્લાનિંગ સાથે કામગીરી કરી રહી છે. ભારે પવન બાદ ખૂબ જ ઝડપથી વીજ પુરવઠો પૂર્વવત કરી શકાય તે માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ડાયરેક્ટરશ્રી રવિશંકરનાં માર્ગદર્શન હેઠળ આયોજન કરી ટીમો કાર્યરત કરવામાં આવી છે.
- Cyclone Biparjoy Landfall Impact: સરકારે 5 દિવસ સુધી કેસ ડોલની કરી જાહેરાત, નુકસાની બાબતનો સર્વે શરૂ
- Cyclone Biparjoy Landfall Impact: કચ્છમાં વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ થયેલ નુકસાનીની વિગતો