- એક જ ગામમાં રહેતા યુવાને અન્ય એક યુવકની હત્યા કરી
- માતા સાથે આડા સંબંધ હોવાની શંકાએ કરી હત્યા
- પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડ્યા
દેવભૂમિ દ્વારકા: ગુરૂવારે રાત્રિના સમયે કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે એક યુવાનની હત્યા કરાઈ હોવાની માહિતી મળતા પોલીસ દોડી ગઈ હતી. સ્થળ પર પહોંચતા તેમને દેવાભાઈ છગનભાઈ વરૂ(ઉં.વ.36)ની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે રાત્રે જ મૃતદેહને હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે મોકલીને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી.
માતા સાથે આડા સંબંધ હોવાની શંકાએ કરી હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડ્યા જેના ઘર પાસેથી મૃતદેહ મળ્યો, તે જ હત્યારો નિકળ્યો
દેવળીયા ગામમાં રહેતા રણમલ પબાભાઈ પઠાણના ઘર પાસેથી દેવાભાઈનો મૃતદેહ મળ્યો હતો. જેના કારણે પોલીસે સૌપ્રથમ રણમલની અટકાયત કરી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો અને કબૂલ્યું હતું કે, મૃતક દેવાભાઈના તેની માતા સાથે આડા સંબંધો હોવાથી તેણે પોતાના બનેવી મેરુ રામાભાઈ લાડકની મદદથી હત્યા કરી હતી.
પોલીસે શરૂ કરી કાર્યવાહી
આરોપીએ કબૂલાત કરતા પોલીસે બન્ને આરોપીઓ વિરૂદ્ધ હત્યા અને હત્યામાં મદદગારીની કલમો લગાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં બન્ને આરોપીઓને કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે.