દેવભૂમિ દ્વારકાઃ કોરોના વાઇરસના કહેરના કારણે દેશને લોકડાઉન કરાયુ છે. ત્યારે દેશના જુદા જુદા રાજ્યોના અનેક યાત્રાળુઓ અન્ય રાજ્યોમાં ફસાઇ જવાના અનેક મામલાઓ હાલ બહાર આવી રહ્યાં છે. ત્યારે બિહાર રાજ્યના નાલંદાના અંદાજે 91 યાત્રાળુઓ તારીખ 13ના રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.
લોકડાઉનના કારણે દ્વારકામાં બિહારના 91 યાત્રાળુઓ ફસાયા, સરકાર પાસે મદદ માગી આ તમામ યાત્રાળુઓની 23 ફેબ્રુઆરીની બિહાર પાછા જવાની રેલવે ટિકિટ કન્ફર્મ હતી. પરંતુ લોકડાઉન અને ત્યારબાદ સમગ્ર ભારતમાં રેલવે સેવા બંધ કરવામાં આવતા આ તમામ 91 યાત્રાળુઓ ફસાઈ ગયા છે અને આ યાત્રાળુઓ હાલ શહેરના સનાતન સેવા મંડળના પરિસરમાં રોકાયા છે.
જો કે સનાતન સેવા મંડળના સ્વામી કેશવાનંદ જી મહારાજ તેમજ દ્વારકા નગરપાલિકાના ઉપપ્રમુખ પરેશભાઈ જાખરીયા દ્વારા આ તમામ 91 યાત્રાળુઓની રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આ યાત્રાળુઓમાં અમુક યાત્રાળુઓ મોટી ઉંમરના અને બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસના દર્દી હોવાથી તેઓની તબિયત પણ ખરાબ થવા લાગી છે.
તારીખ 14ના રોજ લોકડાઉન પૂરું થશે તેવી આશાએ તેઓ આજ દિવસ સુધી અહીં રોકાયા હતા, પરંતુ સમગ્ર ભારતમાં કોરોના વાઇરસના કેસ વધતા હોવાથી સરકાર દ્વારા 19 દિવસ લોકડાઉનને વધારવામાં આવતાં યાત્રાળુઓને ધીરજ ખૂટી હતી. આથી આ યાત્રાળુઓ દ્વારા બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમારને ટ્વિટ કરી મદદની માંગ કરી હતી અને જેમ બને તેમ ઝડપથી તેઓને તેમના ઘરે જવાની વ્યવસ્થા કરવા માટે અનુરોધ કર્યો હતો.