દેવભૂમિ દ્વારકા તાલુકાની ઓખા PGVCLની બેદરકારીથી એક કર્મચારીનો ભોગ લેવાયો હતો. ઓખા નજીકના સામળાસર ગામની વાડી વિસ્તારમાં વીજ રીપેરીંગ કામ કરવા માટે વિજ પોલ પર કામ કરતા સમયે પાવર ચાલુ થઇ જતા એક વિજ કર્મચારીને ગંભીર ઈજા થઇ હતી. જેમાં હાથ અને પંજામાં ઈજા થતા વીજ કર્મચારી મુકેશને બેભાન હાલતમાં 108 દ્વારા મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પરના ડૉક્ટર્સએ તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ ઓખા PGVCLના અધિકારીઓ અને ઓખા મરીન પીલીસના અધિકારીઓને થતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ઓખા PGVCLની બેદરકારીથી એક કર્મચારીનો લેવાયો ભોગ
દેવભૂમિ દ્વારકા: ઓખા નજીક આવેલા સામળાસર ગામની વાડી વિસ્તારમાં વિજ પોલ પર કામ કરતા સમયે પાવર ચાલુ થઇ જતા એક વિજ કર્મચારીનું મોત થયું હતું. મૃતક મુકેશના પત્ની વીણાબેને ઓખા PGVCLના અધિકારીઓ વિરૂદ્ધ ઓખા મરીન પોલીસમાં અરજી કરી હતી. સાથે જ પતિનું અકસ્માતે નહી પણ અધિકારીઓની બેદરકારીને કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું.
મુળ અરવલ્લી જિલ્લાનો મુકેશ ખોખરીયા હેલ્પર તરીકે ઓખા PGVCL ખાતે નોકરી કરતો હતો. તેમની પત્ની પણ ગાંધીનગર ખાતે પોલીસ ખાતામાં નોકરી કરે છે. મુકેશભાઈને એક બાળકી પણ છે. આ ઘટનાની જાણ થતા તેમનો પરીવાર દ્વારકા ખાતે દોડી ગયો હતો. ત્યારબાદ પોલીસની હાજરીમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
મૃતક મુકેશની પત્નીએ જણાવ્યું કે, PGVCL કચેરીમાં હેલ્પર તરીકે કામ કરતા તેમના પતિએ હેલ્મેટ અથવા કોઇ પણ જાતની સેફ્ટી વગર વિજ પોલ પર કામ કર્યું હતું. તેમના પતિ હેલ્પર હોવાના કારણે લાઈનમેન તરીકે વીજ પોલ પર ચડાવવામાં આવ્યા હતા. કર્મચારી ઓછા હોવાથી લાઇન મેનનું કામ હેલ્પર દ્વારા કરાવવામાં આવતા ગંભીર અકસ્માત થયો હતો.