70 માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ડાંગ વન વિભાગની તમામ રેન્જમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વન સંરક્ષણ અગ્નિશ્વર વ્યાસે હરિયાળા ડાંગ જિલ્લાના વન પ્રદેશમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને, પ્રકૃતિનું ઋણ અદા કરવાની સૌને અપીલ કરી હતી.રાજ્ય સરકાર દ્વારા પણ ખૂબ જ સંવેદનશીલતા સાથે આ અગાઉ રાજ્યમાં 18 જેટલા સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરાયું હતું.
ડાંગમાં પ્રકૃતિના જતન, સંવર્ધન માટે ઠેર ઠેર જનચેતના જગાવતા વનકર્મી - gujarat
ડાંગ: વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં વિપુલ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરીને, પ્રકૃતિના જતન અને સંવર્ધનનું ભગીરથ કાર્ય હાથ ધરાયુ છે. જેમાં પ્રજાકિય ભાગીદારી પણ ખૂબ જ જરૂરી છે. તેમ ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યુ હતું.
જેમાં આ વર્ષે મુખ્યપ્રધાનના હસ્તે અમદાવાદ જિલ્લાના જડેશ્વરમાં 8.55 હેકટર વિસ્તારમાં સાંસ્કૃતિક વન પ્રજાર્પણ કરીને, સરકારે વન સાથે જીવન સંકળાયું હોવાનો સંદેશ પ્રજાજનોને આપ્યો છે તેમ પણ વ્યાસે આ વેળા જણાવ્યું હતું.
ડાંગ જિલ્લામાં આ વર્ષે વન મહોત્સવ દરમિયાન અંદાજીત 8 લાખ જેટલા રોપાઓના વાવેતરનો લક્ષ્ય નિર્ધાર કરાયો છે. આ સાથે વાવેતર કરાતા બાળ વૃક્ષોના ઉછેર માટે પણ વન વિભાગ સંકલ્પબદ્ધ હોવાનો દાવો કર્યો હતો. વન અને પર્યાવરણ પ્રધાન રમણલાલ પાટકરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ વન અધિકારીઓ, અને વનકર્મીઓ જોડાયા હતા.