- 48 વર્ષીય મહિલા પાડાને લઈ નદીએ જતાં પગ લપસી ગયો
- મહિલાનું નદીના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું
- ઘટના અંગે આહવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
ડાંગમાં ભેંસને પાણી પીવડાવવા ગયેલી મહિલાનું પાણીમાં ડૂબી જતા મોત - ઈસદર
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઈસદર ચિકટીયા ગામમાં આજે બપોરે મહિલાનું ડૂબી જવાથી મોત થયું હતું. નદીમાં ભેંસને પાણી પીવડાવવા ગયેલી મહિલા નદીનાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેનું મૃત્યુ થયું હતું.
ડાંગઃ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ડાંગ જિલ્લાના આહવા તાલુકાના આહવા વઘઈ રોડ પર આવેલા ચિકટીયા ઈસદર ગામમાં રહેતી મહિલા પાણીમાં ડૂબી ગઈ હતી. તારાબેન અમ્રતભાઈ દળવી (ઉં. 48) નામની મહિલા આજે બપોરે 12.30 વાગ્યે પોતાના માલિકીની ભેંસને લઈ નજીકમાં આવેલી નદીનાં કોતરમાં પાણી પીવડાવવા માટે ગઈ હતી.
મહિલાનો પગ લપસી જવાનાં કારણે મૃત્યુ
નદીએ મહિલાનો પગ પથ્થર પરથી લપસી જતા તે ઊંડા પાણીમાં પડી ગઈ હતી. આ મહિલા પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યું થયું હતું. આ બનાવની જાણ તેના પુત્રને થતા તેઓ ઘટના સ્થળે દોડી જઈ બનાવની જાણ આહવા પોલીસને કરી હતી. આહવા પોલીસની ટીમ ઘટનાસ્થળે ધસી જઈ લાશનો કબજો લઈ પીએમ માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ બનાવ અંગે આનંદભાઈ સખારામભાઈ દળવીએ આહવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.