જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને, અતિથિ વિશેષ જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા, તાલુકા પંચાયતના પ્રમુખ નરેશભાઈ ગવળી, ડાંગ સ્વરાજ આશ્રમના સંચાલક ગાંડાભાઈ પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.બર્થાબેન પટેલની ઉપસ્થિતિમાં વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સરકારી આયુર્વેદિક હોસ્પિટલ આહવા ખાતે વેલનેસ સેન્ટરનો પ્રારંભ કરાયો વેલનેસ સેન્ટરને ખુલ્લા મુકતા જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, આ નવા સેન્ટરને કારણે દર્દીઓને ખુબ જ સારી સારવાર મળી શકશે. ડાંગ જિલ્લાના લોકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે સરકારનું આવકારદાયક કદમ છે.
અતિથિ વિશેષ જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ જણાવ્યું હતું કે, વેલનેસ સેન્ટર એ આરોગ્યરૂપી ધન છે. જેના કારણે સિનિયર સિટીઝન લોકોને ખૂબ જ ફાયદો થશે. આજની યંગ જનરેશન પણ યોગ ક્રિયામાં જોડાય એવો આગ્રહ કર્યો હતો.
વેલનેસ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સંજયભાઈ શાહ, ડૉ.શર્મા, યોગ પ્રશિક્ષક સ્નેહબેન વસાવા, ડૉ.દુલહારી સહિત આહવા નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડૉ.દિગ્વેશ ભોયે કરી હતી.