ડાંગ : રાજ્યના પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન પ્રધાન કુંવરજી બાવળીયાએ શનિવારે ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે સૌપ્રથમ સરકીટ હાઉસ આહવા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, સાંસદ કે.સી.પટેલ, માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિત, વિજયભાઇ પટેલ, કલેકટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠકને સંબોધી જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ તકે પ્રધાન બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના નાગરિકો પાણીની મુશ્કેલી ન અનુભવે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે.
જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓના સંકલનને કારણે હાલમાં ડાંગ જિલ્લાના ગામોમાં પીવાના પાણીની મુશ્કેલી નહીવત છે. તેમ છતા વાસ્મોની યોજનાથી પીવાના પાણીના કનેકશન આપવામાં આવશે. હાલમાં જ ડાંગ જિલ્લો કોરોના મુક્ત થતા જિલ્લાના વહીવટી તંત્ર તેમજ પદાધિકારીઓને બાવળીયાએ અભિનંદન આપ્યા હતા.
પ્રધાન કુંવરજી બાવળીયાએ બેઠક બાદ ભીસ્યા પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી હતી. આહવા નગરને પાણી પુરૂ પાડતી આ યોજનાનું નિરિક્ષણ કર્યા બાદ પાણી પુરવઠા અધિકારીઓને તાકીદ કરી હતી કે ગ્રામજનોને પાણી મળી રહે તે રીતે વાસ્તવિક પ્લાન જ કરવા. જેથી સરકાર દ્વારા અમલમાં મુકાતી યોજના સફળ બની રહે અને લોકોને પાણીનો કોઇ પ્રશ્ન ન રહે.