ડાંગઃ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ઊંડાણ વિસ્તારમાં આવેલા વડપાડા ગામમાં સરકારના( RBSK)રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો અમલ ગરીબ આદિવાસી પરિવાર માટે ખુબજ આશીર્વાદરૂપ બન્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગારખડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ડૉ. મનીષ ખરાડી અને RBSKનાં કર્મીઓ દ્વારા સુબીર તાલુકાનાં ગામડાઓમાં ફિલ્ડ વર્ક દરમિયાન વડપાડા ગામમાં હેત્વીક નામના કુપોષીત બાળક ધ્યાને આવતા આ બાળકની તપાસ કરતા તેનામાં કલબફૂટ નામની જન્મજાત ખામી જોવા મળી હતી.
ડાંગમાં સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની અનોખી સિદ્ધિ RBSK ટીમના ડૉ.ઋજુતા પટેલ, પ્રશાંત રાઉત(RX) અને દક્ષા પવારે(FHW)બાળકના માતા-પિતા ચંદર ગાવિત અને સોનુબેનને આ રોગ અંગે વિગતવાર માહિતી આપીને સારવાર માટે સમજાવ્યાં હતા.
બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા અમલવારી કરીને સારવાર માટે આહવાની સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો, જ્યા ઓર્થોપેડિક સર્જન ડો. મયંક પટેલને બાળકના વાંકાચૂકા પગને ત્રણ મહિનાની ભારે જહેમત બાદ સીધા કરવામાં સફળતા હાથ લાગી હતી.
RBSK ટીમની સતર્કતાથી આ બાળક મોટો થયા બાદ ભવિષ્યમાં સારી રીતે ચાલી શકશે. સરકારનાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની અમલવારી માટે પી.એચ.સી ગારખડી, RBSK વિભાગની ટીમ અને આહવા સિવિલના તબીબોના સંયુક્ત પ્રયાસો દ્વારા ડાંગ જિલ્લાના ઊંડાણના ગામોમાં માનવતાની મહેક પ્રસરાવી નવજાત બાળક હેત્વિકને નવજીવન મળ્યુ છે. હેત્વિકનાં માતા-પિતા તેમજ ગ્રામજનોએ આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે.