ડાંગ : દક્ષિણ ગુજરાતનાં અંબિકા નદીનાં સહ્યાદ્રિની તળેટીમાં આવેલ વાંસદા નેશનલ પાર્ક 24 હેકટરનાં ગાઢ જંગલ વિસ્તારમાં ફેલાયો છે. અહી વિવિધ પ્રાકૃતિક વનસ્પતિઓ,સરીસૃપ જીવજંતુ,વન્ય પ્રાણીઓનો ખજાનો જોવા મળે છે. નેશનલ પાર્કમાં સ્થાનિક બર્ડ વોચર મિતુલ દેસાઈ અને મોહમદ જાટ દ્વારા જંગલમાં વિહરતા બે દુર્લભ જાતિના એશિયાટીક જંગલી કૂતરાને જોયા બાદ વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ દક્ષિણ ડાંગ વન વિભાગનાં DFO દિનેશભાઇ રબારી અને સ્ટાફ દ્વારા જંગલ વિસ્તારમાં નાઈટ વિઝન કેમેરા ગોઠવવામાં આવતા એશિયાટીક વાઇલ્ડ ડોગનું નર અને માદા જોડું કેમેરામાં કેદ થતા પ્રકૃતિ પ્રેમીઓમાં 50 વર્ષ બાદ ઢોલ પ્રજાતિનું પ્રાણીનું અસ્તિત્વ હોવના પુરાવા મળતા આનંદની અનુભૂતિ થઈ હતી. ઢોલ પ્રજાતિ ઇન્ડિયન વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ 1972નાં શિડયુલ 2 હેઠળ સુરક્ષિત પ્રાણી યાદીમાં સમાવિષ્ટ છે.
આ ઉપરાંત ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા નામશેષ થવાનાં આરે પહોચી ગયેલા પ્રાણીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યુ છે. અહી આ વાંસદા નેશનલ પાર્કમાં હવે આ પ્રજાતિનું વિસ્તરણ થાય તેવુ વન વિભાગે સતત નિગરાની સાથે સંવર્ધન માટે કાર્યવાહી હાથ ધરી છે. ઢોલ પ્રજાતિનું આ જંગલી પ્રાણી ઝુંડમાં રહી શિકાર કરવામાં માહીર ગણાય છે. તેની પૂંછડી વાળથી ભરાવદાર હોય વાઘને પણ હંફાવી દે તેવી શક્તિ ઘરાવે છે. દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકનાં વાંસદા નેશનલ પાર્કનાં અધિક્ષક જીગર પટેલનાં જણાવ્યા અનુસાર છ મહીના અગાઉ વાંસદા રાષ્ટ્રીય પાર્કનાં કેવડી-સરા ગામ નજીક એક મહુડાનાં ઝાડ ઉપર અજાયબી તરીકે ઓળખાતી ઊડતી ખિસકોલી 5 વાગ્યાનાં અરસામાં જોવા મળી હતી. આ ઊડતી ખિસકોલીને જોવા માટે વન વિભાગ દ્વારા વોચ પણ ગોઠવી છે. થોડા સમય બાદ આ ઊડતી ખિસકોલી પણ પુરાવા સાથે નવલા નજરાના તરીકે વાંસદા નેશનલ પાર્કમાં જોવા મળશેનું ચર્ચાઈ રહ્યું છે.