ડાંગ : જિલ્લામાં આજે તેરા તહેવારની ઉજવણી કરવામાં આવી. તેરા તહેવાર એ ડાંગી આદિવાસીઓ માટે વર્ષનો પ્રથમ તહેવાર ગણવામાં આવે છે. ડાંગ જિલ્લામાં આદિવાસીઓના આ દરેક તહેવારો પ્રકૃતી સાથે જોડાયેલા છે.
તેરા તહેવાર નિમિત્તે જંગલમાંથી તેરા છોડના પાંદડા લાવી તેની પૂજા કરવામાં આવે છે. રાજ્યના છેવાડે આવેલા, ગુજરાતના જિલ્લાઓમાં બહુલક આદિવાસી વસતી ધરાવતો ડાંગ જિલ્લો જયા 98% આદિવાસી વસતી વસે છે. પ્રકૃતી સાથે સંકળાયેલા ડાંગીઓના રીતિ- રિવાજ પરંપરા અને માન્યતાઓ સાથે અહીં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.
ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટે વર્ષનો સૌથી પ્રથમ તહેવાર જે તેરાનો તહેવાર છે. જ્યારે અખાત્રીજને વર્ષનો છેલ્લો તહેવાર ગણવામાં આવે છે. અખાત્રીજના તહેવાર વખતે પિત્રુ પુજન તથા ધાન્યની ખાતરી કરવા માટે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી તરત જ 2 મહિના પછી અષાઢ મહિનામાં આવતો આદિવાસીઓનો પ્રિય તહેવાર તેરા છે.
વરસાદ પડી ગયા પછી જંગલમાં આળુ નામના કંદ (તેરા નામના કંદ)ને લીલા રંગના સુંદર મોટા પાન આવે છે. જે રાન આળુનો એક પ્રકાર છે. ડાંગના દરેક ભાગમાં આ આળુ થાય છે. જેઠ સુદ પૂનમ એટલે વટસાવિત્રી આ પૂનમથી વરસાદ શરૂ થાય છે, એવી સામાન્ય રીતે ગણતરી રહે છે અને ધીરેધીરે વરસાદનું પ્રમાણ વધતુ જાય છે.
ડાંગમાં આદિવાસીઓના તેરા તહેવારની આજે ઊજવણી કરાઇ આળુના કંદને ફણગો થઈ પાન આવતા લગભગ 15-20 દિવસ વિતી જાય છે. આમ,તેરા પર્વ અષાઢ માસની અમાસે આવે છે. આ વર્ષે સુર્યગ્રણના કારણે અમાસનાદિવસે તેરાની ઉજવણી કરવામાં આવી નથી. ડાંગ જિલ્લાના દરેક ગામડાઓમાં પાટીલ, કારબારી અને આગાવાનો સાથે મળીને તેરા તહેવારની ઉજવણી વિશે દિવસ નક્કી કરતાં હોય છે. આ દિવસે આદિવાસીઓ નવા થયેલા આળુના પાંદડા લાવી તે બાફી ( રાંધી ) તેનુ શાક બનાવે છે, તે દિવસે પાંદડાનું મહત્વ ઘણુ જ હોય છે.
પ્રથમ એ પાંદડા લાવી ઘર પર મુકવામાં આવે છે અને જ્યારે ગાંવદેવી અને ગામની સીમ પર આવેલા વાઘદેવની પૂજા થાય, ત્યાર પછી જ તે પાંદડા પર પાણી છાંટીને ઘરમાં લાવવામાં આવે છે અને શાક કે ભાજી બનાવામાં આવે છે, એ નવુ શાક પ્રથમ કુળદેવી-ગાંવદેવીને નૈવેધ ધરવામાં આવે છે. ત્યારબાદ તેઓ આરોગે છે.
રાત્રે નાચવાનો કાર્યક્રમ યોજાય છે તેને ઠાકર્યા નૃત્ય કહેવાય છે. ડાંગ જિલ્લામાં હાલ તેરા તહેવાર નિમિત્તે ઠાકરે નાચવાની પ્રથા વિસરતી જાય છે. જ્યારે અમુક ગામડાઓમાં આ પ્રથા આજે પણ જોવા મળે છે. તેરાના દિવસથી ઠાકર્યાનૃત્ય અને પાવરીનૃત્ય ચાલુ થાય છે.તેરાના આ તહેવારનું ખેતીની દ્રષ્ટિએ પણ એક અનોખું મહત્વ છે. જમીનમાં પાણી પોચવાથી હવે તે જલધર બની છે. કેટલાક ખેડૂતો તો અડદ વાળ્યા વગર તેરાનો તહેવાર કરતા નથી. તેમનું એવુ માનવું છે કે, અડદ વાવ્યા પછી જો તેરાનો સન પાળવામાં આવે તો અડદમાં રોગ લાગુ પડે અને પાંદડા કોવાઈ જાય છે, અડદ મરી જાય એવી માન્યતા છે.
આ તેરાનું શાક આદિવાસી માટે શાકભાજીની ગરજ સારે છે. તેરાના પાંદડામાં કોઈ પણ દાળ નાખી તેઓ ખાય છે.અખાત્રીજના તહેવાર બાદ આદિવાસીઓ માટે વર્ષનો પહેલો તહેવાર તરીકે તેરા તહેવારને માનવામાં આવે છે. ડાંગના આદિવાસી લોકોના તેરા તહેવારની ઉજવણી બાદ જ તેઓ સાગના પાંદડા તોડી શકે છે. આ સાગના પાંદડા ઘરકામમાં ઉપયોગમાં લેવાય છે. વરસાદથી બચવા સાગના પાંદડાઓની બનાવટો બનાવામાં આવે છે.