ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના આદિવાસીઓ આજે પણ પારંપરિક પદ્ધતિથી ખેતી કરે છે

ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર છે. અહીં વર્ષોથી ડુંગરોમાં વસતા આદિવાસીઓ પારંપરિક ખેતી કરતા આવ્યા છે. પારંપરિક ઓર્ગેનિક ખેતી પદ્ધતિઓને વેગ આપવા માટે ડાંગ જિલ્લાને 100 ટકા ઓર્ગેનિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ ગુજરાત રાજયના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડાંગ જિલ્લાને રાજ્યમાં પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ જિલ્લામાં નાગલી, વરી, અડદ અને ડાંગર પારંપરિક ખેતી માટેના પાકો છે.

ETV BHARAT
ડાંગ જિલ્લાના આદિવાસીઓની પારંપરિક પાકોની ખેતી પદ્ધતિ

By

Published : Sep 19, 2020, 6:17 PM IST

ડાંગઃ ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારમાં મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલો ડાંગ જિલ્લો પહાડી વિસ્તાર ધરાવે છે. અહીંના આદિવાસીઓ વર્ષોથી આ પહાડોમાં વસવાટ કરતા આવ્યા છે. પ્રકૃતિ સાથે જીવનારા આદિવાસી લોકોની ખેતી પદ્ધતિઓ અનેરી છે. પહાડી અને ઢોળાવ વિસ્તાર હોવાનાં કારણે અહીં નાગલીની ખેતી મોટા પાયે કરવામાં આવે છે.

ડાંગરની રોપણી

નાગલીના પાકને વધારે પાણીની જરૂર હોતી નથી. જેથી પહાડી વિસ્તારમાં નાગલીનો પાક મોટા પ્રમાણમાં કરવામા આવે છે. આ સાથે જ કઠોળમાં અડદની ખેતી પણ લગભગ દરેક ખેડૂતો કરતા હોય છે. અહીં આદિવાસીઓનો મુખ્ય ખોરાક નાગલી અને અડદની દાળ છે. ડાંગી ભોજનમાં આ ખોરાક પ્રવાસીઓને સ્વાદિષ્ટમાં ખૂબ જ આકર્ષિત કરે છે.

પારંપરિક પાકોની ખેતી પદ્ધતિ

ડાંગી આદિવાસીઓનાં પારંપરિક ખેતી પદ્ધતિઓ અંગે અહીં કેટલીક માન્યાતોઓ પણ છે. જે તહેવારો સાથે જોડાયેલી છે. અહીંના આદિવાસીઓ બીજને જમીનમાં નાંખતા પહેલાં ચોમાસામાં પાક કેવો થશે તેની ખાતરી કરે છે. આ ઉપરાંત અખાત્રીજનાં તહેવાર વખતે બીજ કેવાં પાકશે તેની ખાતરી કરી લેવામાં આવે છે. ડાંગીઓને અખાત્રીજ પરથી ખેતીનાં પાકનો અંદાજો આવી જાય છે.

પારંપરિક પાકોની ખેતી પદ્ધતિ

આદિવાસીઓ પારંપરિક પૂજા કર્યા બાદ જ બીજને જમીનમાં નાંખે છે. જેને સ્થાનિક ભાષામાં બી બાટવવું પણ કહેવામાં આવે છે. ડુંગરાળ પ્રદેશમાં રહેનારા આદિવાસીઓ ડુંગરોમાં ખેતી કરે છે, ત્યારે પાક આવ્યા બાદ ડુંગર દેવની પૂજા કરે છે. જે સતત 3થી 5 દિવસનો તહેવાર હોય છે. ડુંગર દેવની પૂજા પાછળ પણ માન્યતા રહેલી છે. આહીંના લોકો માને છે કે, ડુંગર ઉપર ખેતી કરવામાં આવે, ત્યારે ડુંગર દેવની માવલી ખેતીનું રક્ષણ કરે છે.

પારંપરિક પાકોની ખેતી પદ્ધતિ

ડાંગ જિલ્લામાં નાગલી, જુવાર, વરાઈ, ડાંગર, અડદ, તુવેર, મગફળી, સોયાબીન વગેરેની ખેતી થાય છે. આ તમામ ખેતી પદ્ધતિઓ ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા થાય તે માટે સરકાર દ્વારા તાલીમ પણ આપવામાં આવે છે. ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો અહીં સેંદ્રિય ખાતરનો ઉપયોગ કરે તે માટે સરકાર સતત પ્રયાસ કરે છે.

ડાંગ જિલ્લાનાં આદિવાસીઓની પારંપરિક પાકોની ખેતી પદ્ધતિ

નાગલીના પાકમાં યુરિયા ખાતર નાખવામાં આવતું નથી. આ પાક અહીંનો મૂળ પાક ગણાય છે અને સમગ્ર ગુજરાતમાં અત્યારે નાગલીના પાકની બનાવટો પણ પ્રખ્યાત બની છે, ત્યારે વર્ષોથી ડાંગ જિલ્લામાં નાગલીના પાકને ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા જ કરવામાં આવે છે. જેની સાથે જ અન્ય પાકો જેવા કે, અડદ, મકાઈ, ખરસાણી, તુવેર વગેરેને પણ ઓર્ગેનિક પદ્ધતિઓ મુજબ કરવામાં આવે છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી સુનિલ પટેલનાં જણાવ્યા અનુસાર 2020માં જિલ્લામાં ખરીફ પાકમાં ડાંગરનો પાક 26,800 હેક્ટર, નાગલીનો પાક 8,475 હેક્ટર, મકાઈ 360 હેક્ટર, મગફળી 3,885 હેક્ટર, અડદ 9,350 હેક્ટર, તુવેર 3,565 હેક્ટર, સોયાબીન 1,051 હેક્ટર, ખરસાણી 935 હેક્ટર જ્યારે જિલ્લામાં કુલ 56,565 હેક્ટર વિસ્તારમાં ખેતીનાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

ડાંગ જિલ્લાનાં આત્મનિર્ભર આદિવાસી ખેડૂતો બળદ અને પાડા દ્વારા ખેતી કરતા જોવા મળે છે. અહીં લાકડામાંથી બનાવેલા વિવિધ ખેત ઓજારો દ્વારા ખેતી કરવામા આવે છે. હળને બળદ અને પાડાથી ચલાવવામાં આવે છે, જ્યારે અન્ય ખેતીમાટેના હાથ ઓજાર પણ લાકડામાંથી બનાવેલા જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details