ગુજરાત

gujarat

ETV Bharat / state

સાપુતારા નજીક મહારાષ્ટ્રના બોરગાવ ખાતે રસ્તા રોકો આંદોલનથી કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ્પ

સાપુતારાથી વણીને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં બોરગાંવનાં કંસારા ચોક ખાતે મહારાષ્ટ્ર સીપીઆઈ(એમ) દ્વારા વિવિધ માંગણીઓને લઈને ત્રણેક કલાક સુધી રસ્તા રોકો આંદોલન કરતા ગુજરાતમાંથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાંથી ગુજરાત તરફ ધમધમતા વાહન ઠપ્પ થયા હતાં.

protest
protest

By

Published : Nov 27, 2020, 1:34 PM IST

  • સાપુતારા થી વણી માર્ગ વચ્ચે મહારાષ્ટ્રના બોરગાવમાં રસ્તા રોકો આંદોલન
  • મહારાષ્ટ્રના ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું
  • નાસિકના સુરગાણા તાલુકાના પૂર્વ ધારાસભ્ય દ્વારા કેદ્રની સરકાર ઉપર આકરાં પ્રહાર

સાપુતારાઃ 26 નવેમ્બર 2020નાં રોજ મહારાષ્ટ્ર સુરગાણા તાલુકાનાં પૂર્વ ધારાસભ્ય જે.પી.ગાવિતની આગેવાની હેઠળ દેશવ્યાપી રસ્તા રોકો આંદોલનનું આયોજન સાપુતારાથી વણીને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં આવેલા મહારાષ્ટ્રના બોરગાંવ ખાતે કરાયુ હતુ. વિવિધ માંગણીઓનાં ઉકેલ માટે અહીં સુરગાણા તાલુકા વિસ્તારનાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રસ્તા રોકો આંદોલન સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ચાલતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઠપ્પ થઈ ગયો હતો. અહીં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાતે ચક્કાજામ કરાતા ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનો વાહનવ્યવહાર ખોરવાયો હતો.

સાપુતારા નજીક મહારાષ્ટ્રના બોરગાવ ખાતે રસ્તા રોકો આંદોલનથી કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ્પ

સુરગાણાના માજી ધારાસભ્યએ કેન્દ્ર સરકાર કર્યા પ્રહાર

આ આંદોલન સમયે મહારાષ્ટ્ર સુરગાણાનાં માજી ધારાસભ્ય જે.પી.ગાવિતે જણાવ્યુ હતુ કે, મોદી સરકાર ખેડૂત વિરોધી કાયદાઓ ઘડીને ખેડૂતોને ઘણુ નુકસાન કરી રહી છે. પ્રજાએ આ સરકારનો આકરો વિરોધ કરવો પડશે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, કોરોનાને અંકુશમાં લેવામાં આ સરકારની નિષ્ફળતાના કારણે દેશના તમામ નાગરિકોનું મોટું નુકસાન થયુ છે, વન અધિકાર કાયદો લાગુ કરવામાં આવ્યો હોવા છતા જંગલની જમીન ધરાવતા આદિવાસી લોકો વર્ષોથી જંગલ જમીનથી વંચિત રહ્યા છે. ઓછા વરસાદથી ખેતીને થતા નુકસાન માટે વળતર આપવું જોઈએ.

ગરીબોને તાત્કાલિક નુકસાન વળતર આપવું જોઈએ. દરેક પરિવારને જોબકાર્ડ આપીને તેને નોકરી આપવી જોઈએ. ડેમનું સંચાલન ખેડૂતોની સંમતિથી કરવું જોઈએ. ઉંચા લાઈટ બીલ ભરીને બાગાયતી ખેતી કરનાર ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. આ વધારાનું બીલ રદ કરવું જોઈએ. ગરીબ આદિવાસીઓને વિસ્થાપિત કરવા માટે ડેમ બાંધવા દેવા જોઈએ નહીં. સંવેદનશીલ ઝોનમાં નાસિક જિલ્લામાં 154 ગામો સમાવિષ્ટ કરીને ગરીબ લોકો પર મોટો અન્યાય કરવામાં આવ્યો છે. ગરીબ નિરાધાર વૃદ્ધ લોકો માટે 2500 સુધીનો પેન્શન વધારો કરવાની અપીલ કરી હતી.

આંદોલન દરમિયાન મુંબઈ હુમલાનાં શહીદોને શ્રદ્ધાંજલિ

મુંબઈ હુમલામાં શહીદ થયેલા જવાનોને પૂર્વ ધારાસભ્ય જે.પી.ગાવીતે સલામ આપી અને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાસિક જિલ્લાનાં સુરગાણા પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પેક્ટર દિવાનસિંહ વસાવે, સબ-ઇન્સ્પેક્ટર નિલેશ બોડખે, પરાગ ગોટુર્ને, સંતોષ ગવળી અને રાહુલ જોપલ સહિતની પોલીસ ટીમ ઉપસ્થિત રહી હતી.

ABOUT THE AUTHOR

...view details