ડાંગ : ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ભેડમાળ ગામની કોરોના પોઝિટિવ યુવતીના સંપર્કમાં આવેલી 34 વ્યક્તિઓનો રિપોર્ટ પેન્ડીંગ છે. ડાંગ વહીવટી તંત્ર દ્વરા તકેદારીના ભાગરૂપે ભેડમાળ ગામની 7 કી.મી ત્રિજ્યામાં આવતા તમામ ગામોને બફરઝોન તરીકે જાહેર કર્યા છે.
ડાંગના ભેડમાળ ગામની કોરોના પોઝિટિવ યુવતીના સંપર્કમાં આવેલા 34 વ્યક્તિઓનો રિપોર્ટ પેન્ડીંગ પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ ડાંગ જિલ્લામાં બીજો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. વઘઇ તાલુકાના ભેડમાળ ગામની યુવતી નેહા ગાવીત રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું હતું.
કોરોના પોઝિટિવ યુવતી સુરત ખાતેની ખાનગી હોસ્પીટલ બલર ગાયનેકલ્નિક હોસ્પીટલમાં નર્સ તરીકે નોકરી કરતાં હતા. તા. 04/04/2020ના રોજ તે સુરતી ડાંગ પોતાના વતન ભેડમાળ ગામે આવ્યા હતા. ડાંગ જિલ્લામાં આવ્યા બાદ આ યુવતીની બે વખત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન આ યુવતીમાં કોઇ પણ કોરોના વાઇરસનાં લક્ષણો જણાયા નહોતા.
તા.26/04/2020ના રોજ આરોગ્ય વિભાગ દ્વરા આ યુવતીના સેમ્પલ સુરત મેડીકલ કોલેજ ખાતે મોકલાતાં યુવતીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. યુવતીને રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું હતું.
આ ઘટના અંગે જિલ્લા આરોગ્ય અધીકારી સંજય શાહે જણાવ્યું હતું કે, યુવતીની હિસ્ટ્રી જાણી તેણીના સંપર્કમાં આવેલી તમામ 34 વ્યક્તિઓના સેમ્પલ લેવામા આવ્યા હતા. ગતરોજ મોકલેલ આ 34 વ્યક્તિઓના સેમ્પલ હજી પેન્ડીગમાં છે. યુવતીના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરેન્ટીન કરવામાં આવ્યા છે. તથા તકેદારીના ભાગરૂપે ભેડમાળ ગામ નજીકના બે ગામડાઓ કન્ટેનમેન્ટ તરીકે અને ભેડમાળ ગામની 7 કી.મી ત્રિજ્યામાં આવેલ તમામ ગામડાઓ બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલા છે.
ભેડમાળ ગામની આ યુવતીને કોવિડ કેર સેન્ટર શામગહાન ખાતે આઇસોલેટ કરવામાં આવી છે. જ્યારે ભેડમાળ ગામ નજીકના બે ગામોને કન્ટેન્મેન્ટ તરીકે આવરી લીધેલા છે. આ ગામોમાં આરોગ્ય શાખાની ટીમ દ્વરા સેનિટાઇઝેશન કરી આજરોજ કુલ 303 ઘરોનું સર્વે કરી કુલ 1763 વ્યક્તિઓની સ્ક્રિનીંગની કામગીરી કરવામાં આવી હતી.