- મહિલા દિનની ઉજવણી આહવા ખાતે કરાઈ
- કલેક્ટરે મહિલાઓનાં શિક્ષણ બાબતે ચર્ચા કરી
- ગ્રામીણ દીકરી અભ્યાસ વિના રહી ન જાય તેની સારસંભાળ રાખવાની હિમાયત કરી
ડાંગ: જિલ્લાના આહવા ખાતે મહિલા દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. દીકરીઓના લગ્ન જેવા પ્રસંગોમાં ડાંગ જિલ્લાના ગ્રામ્ય માતાપિતા સવિશેષ જાગૃતિ દાખવી લગ્નસંસ્થા અને સામાજિક માળખુ જળવાઈ રહે તેવા પ્રયાસો કરે તે જરૂરી છે, તેમ જણાવતા ડાંગ કલેક્ટર એન. કે. ડામોરે ગ્રામ્ય સ્તરે કામ કરતા સખી મંડળોને એક પણ ગ્રામીણ દીકરી અભ્યાસ વિના રહી ન જાય તેની સારસંભાળ રાખવાની હિમાયત કરી હતી.
કોઈ પણ જરૂરિયાતમંદો સહાયથી વંચિત ન રહી જાય તેની તકેદારીની કરી હિમાયત
“વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી દરમિયાન વક્તવ્ય રજૂ કરતા કલેક્ટરે ગ્રામ્ય સખી મંડળની મહિલા સભ્યોને એકત્રિત થઇને ગામડામાં કોઈ પણ જરૂરિયાતમંદો જુદી જુદી સેવા, સહાયથી વંચિત ન રહી જાય તેની તકેદારી દાખવવાની પણ અપીલ કરી હતી. ડામોરે મહિલાઓની આર્થિક પ્રવૃત્તિઓની જુદી જુદી યોજનાઓની જાણકારી ગ્રામ્ય મહિલાઓ સુધી સુચારુરૂપે પહોંચે તે દિશાના પ્રયાસોની પણ આ વેળાએ હિમાયત કરી હતી.
મહિલાઓને લગતાં કાર્યક્રમો થકી ગ્રામ્ય મહિલાઓની જીવનશૈલી સુધરી- ડાંગ કલેક્ટર
આહવાના ડાંગ દરબાર હોલમા આયોજિત “વિશ્વ મહિલા દિવસ” ઉજવણી કાર્યક્રમ દરમિયાન કલેક્ટર એન. કે. ડામોરે ગ્રામીણ મહિલાઓના સખી મંડળો, સખી સંઘો, સહીત જુદા જુદા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતી મહિલાઓને આ વેળા પણ અભિનંદન પાઠવ્યા હતા. મહિલાઓને પ્રોત્સાહિત કરી જુદા જુદા ક્ષેત્રોમા તેમની ભાગીદારી વધારી શકાય તેવા હેતુને નજર સમક્ષ રાખી યોજાતા કાર્યક્રમોની જાણકારી આપતા કલેક્ટર એન. કે. ડામોરે ડાંગ જિલ્લામા ગ્રામ્ય મહિલાઓની સુધરેલી જીવનશૈલી આવા કાર્યક્રમોની ફલશ્રુતિ છે તેમ જણાવ્યું હતુ.