ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં સસ્તા અનાજની દુકાન મહિનામાં 1 વાર ખુલતી હોવાથી ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાયા - Kerosene

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સમાવિષ્ટ હિંદળા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ઓછું અનાજ મળતું હોવાની ગ્રામ લોકોની બૂમ ઉઠી છે. સસ્તા અનાજની દુકાનમાં કેરોસીન મળવાપાત્ર વ્યક્તિને મળતો નથી. જ્યારે દુકાનમાં સંચાલક મહિનામાં 1 કે 2 વાર દુકાને આવતા લોકોને રોજના ધક્કા ખાવાની નોબત આવી છે.

ડાંગમાં સસ્તા અનાજની દુકાન મહિને 1 વાર ખુલવાથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા
ડાંગમાં સસ્તા અનાજની દુકાન મહિને 1 વાર ખુલવાથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા

By

Published : Oct 28, 2020, 8:01 PM IST

  • ડાંગમાં સસ્તા દરે વેચાતા અનાજની દુકાન સામે લોકોનો રોષ
  • દુકાનનો સંચાલક વર્ષમાં એક જ વખત આવતો હોવાનો આક્ષેપ
  • 20 કિલોની જગ્યાએ 14 કિલો અનાજ અપાતું હોવાનો આક્ષેપ

ડાંગઃ સરકાર દ્વારા ગરીબ લોકોને સસ્તા દરે અનાજ મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનોમાં અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલીક જગ્યાએ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દાદાગીરી કરતા જોવા મળે છે. ડાંગ જિલ્લાના હિંદળા ગામમાં પંડિત દિનદયાળ સસ્તા અનાજની દુકાનમાં રેશનકાર્ડ ધારકો દુકાન માલિકથી ત્રાહિમામ્ પોકારી ગયા છે.

શું કહે છે સ્થાનિકો..?

સ્થાનિક લોકોનું કહેવું છે કે, સસ્તા અનાજની દુકાન ચલાવનારો વ્યક્તિ મહિનામાં 1થી 2 વાર આવે છે. અહીં સમયસર અનાજની દુકાન ખોલવામાં આવતી નથી. જ્યારે રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર કેરોસીન પણ મળતું નથી તેમજ અનાજ વિતરણમાં પણ ગોટાળો જોવા મળે છે. સરકાર તરફથી ગરીબ લોકોને મફત અનાજ વિતરણ કરવામાં આવે છે, ત્યારે અહીં મફત અનાજ વિતરણમાં પણ ઓછું અનાજ આપવામાં આવી રહ્યું છે. 20 કિલોની જગ્યાએ ફક્ત 14 કિલો અનાજ આપવામાં આવે છે. અનાજના જથ્થામાં વધઘટ કરવામાં આવે છે.

અનાજની દુકાનના સંચાલક સામે તપાસ કરવા માગ

હિંદળા ગામનાં રેશનકાર્ડ દુકાન નં. 15878 છે. આ દુકાન માલિક સમયસર ન આવતા હોવાના પગલે લોકોને દિવસભર રાહ જોવી પડે છે. જ્યારે સંચાલક દ્વારા અનાજ લેવા આવતા લોકો જોડે પણ ગેરવર્તણૂકની ફરિયાદો ઊઠી છે. કોઈ પણ ગ્રાહકો આ બાબતે રજૂઆત કરે તો તેઓને સંચાલક દ્વારા ધમકીઓ પણ અપાતી હોવાની બૂમો ઊઠી છે. આથી ડાંગ જિલ્લા પૂરવઠા તંત્ર હિંદળા ગામની સસ્તા અનાજની દુકાનમાં યોગ્ય તપાસ કરી સંચાલક સામે કાર્યવાહી હાથ ધરે તેવી લોક માગ ઊઠવા પામી છે.

લોકો મને બદનામ કરવાનો પ્રયત્ન કરે છેઃ અનાજની દુકાનના સંચાલક

આ બાબતે ડાંગ જિલ્લાના સુબીરના મામલતદાર પ્રતિક પટેલે જણાવ્યું કે, હિંદળા ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે મારી પાસે હજુ સુધી ફરિયાદ આવી નથી છતા પણ આ સસ્તા અનાજની દુકાનમાં જો સંચાલક દ્વારા ગેરરીતિ કરાતી હશે તો હું તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના આપું છું. હિંદળા ગામના સસ્તા અનાજના સંચાલક પ્રકાશ માહલાએ જણાવ્યું કે, હું અનાજ અને કેરોસીનનો જથ્થો ફાળવણી મુજબ નિયમિત પણે 5 ગામના લોકોને આપું છું. મારા વિરોધીઓએ મને બદનામ કરવાના હેતુથી મારા વિરુદ્ધ અગાઉ પણ ગાંધીનગર સુધી અરજીઓ કરી હતી. વધુમાં લોકો જોડે વર્તન પણ મે ખરાબ કર્યું નથી.

ABOUT THE AUTHOR

...view details