ડાંગઃ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ટી.કે. ડામોર દ્વારા જારી કરાયેલા એક જાહેરનામાં અનુસાર જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાને લેતા અહીની મોટી નદીઓ, તળાવો, ચેકડેમો, નાળા તથા ધોધ જેવા સ્થળોએ માછલા પકડવા, કપડા ધોવા અને ન્હાવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું: નદી, તળાવ જેવી જગ્યા પર જવા પર પ્રતિબંધ ફરમાવાયો
ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ટી.કે. ડામોર દ્વારા જાહેર નામું બહાર પાડવામાં આવ્યુ છે. જે અંતર્ગત નદી, તળાવ, ચેકડેમો આવા સ્થળો પર લોકોને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનારા સામે ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. જેઓ પણ આવા સ્થળોએ સેલ્ફી તથા ફોટોગ્રાફી કરીને પોતાના તથા અન્ય માટે જોખમ ઉભું કરતા હોય છે.
જેથી ડાંગ જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આવી તમામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ હુકમનો ભંગ કરનારા સામે ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ કાર્યવાહી હાથ ધરાશે. આ હુકમ સમગ્ર ડાંગ જિલ્લાના મહેસુલી વિસ્તાર સહિત ગિરિમથક સાપુતારાના નોટીફાઈડ વિસ્તારમાં પણ લાગુ પડશે. જેની તમામ લગતા વળગતાઓને નોંધ લેવા જણાવ્યું છે.