સોમવારના રોજ સાપુતારામાં સાંદીપનિ વિદ્યા સંકુલ ખાતે નવા તૈયાર થયેલા છાત્રાવાસનું રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તકે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ આદિવાસી વિસ્તારમાં આદરેલા ભગિરથ કાર્ય બદલ શુભકામના પણ પાઠવી હતી.
આ પ્રસંગે ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કહેવાતું સાપુતારા અને ડાંગ પ્રદેશએ સંપૂર્ણ આદિવાસી ક્ષેત્ર છે. જ્યાં છેલ્લા 3 વર્ષોથી આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઇ રહ્યું છે. સાપુતારાની એક સમયની સરકારી માધ્યમિક શાળાને ભાઇશ્રી દ્વારા દત્તક લવામાં આવી હતી. તેનું સાંદીપનિ વિદ્યા સંકુલ નામાભિધાન કર્યા બાદ સંસ્થા દ્વારા સ્થાનિક આદિવાસી વિદ્યાર્થીઓને ઉત્તમકક્ષાની શિક્ષણ વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે. તેમ જણાવી, રાજ્યપાલશ્રીએ સમાજના અન્ય જરૂરિયાતમંદ વિસ્તારો સુધી પણ તેમની આ સેવાઓનો વ્યાપ વિસ્તરે તેવો અનુરોધ કર્યો હતો.
છાત્રાલયના પ્રારંભથી આદિવાસી બાળકોને આધુનિક સુવિધાઓ સાથે સંસ્કાર સિંચનનું કાર્ય પણ થઇ રહ્યું છે તેમ જણાવી મહામહિમ શ્રી ઓ.પી.કોહલીએ આદિવાસી સમાજને આત્મનિર્ભર બનાવવા ઉપર પણ ભાર મુક્યો હતો.
આ પ્રસંગે સ્વાગત વક્તવ્ય કરતા દાતા તુષારભાઇ જાનીએ 62 બાળકો સાથે 2011માં શરૂ થયેલી આ સંસ્થામાં આજે 503 વિઘાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે તેમ જણાવ્યું હતું. વસુદૈવ કુટુંબ ભાવના સાથે સંસ્થા દ્વારા સાપુતારા ખાતે વૈશ્વિક સ્તરની યુનિવર્સિટીની સ્થાપનાનું કાર્ય પણ ચાલી રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
છાત્રાવાસનું રાજ્યપાલના હસ્તે કરાયુ લોકાર્પણ છાત્રાવાસના લોકાર્પણ સમારોહમાં ગુરૂ સદાનંદ મહારાજ, મુક્તાનંદ બાપુ, માલેગામના સ્વામી પી.પી.સ્વામીજી સહિતના સંતગણો ઉપરાંત ડાંગ કલેક્ટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી જે.ડી.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી મણિલાલ ભુસારા, પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.પવાર, માહિતી વિભાગની ટીમ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.