ડાંગના જુના દાવદહાડ ગામે મૃત્યુ પામનારની અંતિમયાત્રા જ નીકળતી નથી! - દાવડહાડ
ડાંગઃ જિલ્લાના જુના દાવદહાડ ગામના લોકોના કમનસીબ કહો કે હૃદયદ્રાવક કરૂણતા પણ અહીં મૃત્યુ પામનાર ઈસમને અંતિમયાત્રાના પણ નસીબ થતી નથી. દાવદહાડ ગામને વર્ષોથી પાયાની સુવિધા મળી નથી. ગામના મૃતક બામન પવારના મૃતદેહને ટ્યૂબ સાથે બાંધી નદીપાર સ્મશાનભૂમિ સુધી લઈ જવામાં આવ્યો હતો.
ગુજરાત મોડેલ અને વિકાસની મોટી મોટી વાતો વચ્ચે ડાંગ જિલ્લાના દાવદહાડ ગામ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. આ ગામમાં આવવા જવા માટે કોઈ રસ્તો નથી. અહીં સામાન્ય દિવસોમાં અવરજવર માટે નદીના પટનો ઉપયોગ થતો હોય છે. છેલ્લા 51 વર્ષોથી ચોમાસાની ઋતુમાં આ ગામ સંપર્ક વિહોણું બની જાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગામની અડીને આવેલી ખાપરી નદી પર પુલ બનાવવાની જરૂર છે, પણ હજું સુધી કોઈ સગવડ કરવામાં આવી નથી. નદી ઓળંગી જવાની વર્ષોથી સમસ્યા ચાલી આવી છે. ગામના લોકો નદી ઓળંગવા માટે હવા ભરેલી ટ્યૂબનો ઉપયોગ કરે છે. થોડા દિવસો અગાઉ રાજવી પરિવારના 50 વર્ષીય બામનભાઈ પવારનું મરણ થતા તેમના મૃતદેહને ટયુબ સાથે બાંધીને નદીમાંથી પસાર થઈ સ્મશાન સુધી લઈ જવાયો હતો.
ડાંગ જિલ્લાના દાવદહાડ ગામમાં વિકાસ તો દૂરની વાત છે, પરંતુ આ ગામમાં આજે પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. ગામમાં આવવા જવા માટે નદીના પાણીમાં ઉતરીને જવા સિવાય કોઈ અન્ય વૈકલ્પિક માર્ગ નથી. જેના કારણે ચોમાસાની ઋતુમાં લોઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આરોગ્યલક્ષી સેવા 108 પણ પહોંચી શકતી નથી. જેના કારણે ગત વર્ષ 2 માસુમ વિદ્યાર્થીઓ સર્પદંશનો શિકાર બન્યા અને સમયસર સારવાર ન મળતાં તેમનું મૃત્યુ થયું હતું. ગ્રામજનોએ 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડ્યો છે, છતાંયે તંત્ર દ્વારા આજદિન કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.