ડાંગ: રાજ્યમાં 5 માર્ચથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષા ભયમુક્ત અને શાંત વાતાવરણમાં શરૂ થઇ હતી.
ડાંગ જિલ્લામાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં આપ્યું પ્રથમ પેપર
ડાંગ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ 10નાં વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી હતી. આ પ્રસંગે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ દીપ દર્શન સ્કૂલમાં પરીક્ષાર્થીઓનું મોઢુ મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારાનાં જણાવ્યા અનુસાર પ્રથમ દિવસે ડાંગ જિલ્લાનાં કુલ 13 પરીક્ષા કેન્દ્રો પર 3,112 વિદ્યાર્થીઓ પૈકી 3,015 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી, જ્યારે 97 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
ધોરણ 12ની સામાન્ય પ્રવાહના નામાના મૂળતત્વો વિષયની પરીક્ષામાં કુલ 232 વિદ્યાર્થીઓ પૈકી 224 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 8 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહનાં ભૌતિક વિજ્ઞાનનાં પેપરમાં કુલ 366 પરિક્ષાર્થીઓ પૈકી 364 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.