ડાંગઃ જિલ્લાનાં ગામડાઓમાં શુક્રવારે રાત્રી દરમિયાન વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ થઇ હતી. જ્યારે શનિવારે દિવસ દરમિયાન પુર્વ પટ્ટી વિસ્તારના ચિંચલી પંથકમાં ઝરમરીયા સ્વરૂપેનો વરસાદ વરસતા સમગ્ર પંથકનું વાતાવરણ આહલાદક બની ગયું હતું.
ડાંગમાં ઝરમરીયા વરસાદ સાથે શીત લહેર વ્યાપી, સમગ્ર વાતાવરણ બન્યું આહલાદક
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત 13 દિવસથી છૂટો છવાયો વરસાદ પડતા અહીનું વાતાવરણ ચોમાસમય બની ગયું હતું. ગિરિમથક સાપુતારા સહિતનાં પંથકોમાં ઝરમરીયો વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવાની સાથે વાતાવરણ આહલાદક બની ગયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત 13 દિવસથી છૂટો છવાયો વરસાદ પડતા અહીનાં ગામડાઓનું વાતાવરણ ચોમાસમય બની ગયું હતું. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદ તૂટી પડતા અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીઓમાં થડા પાણીનો સંગ્રહ પણ થવા લાગ્યો હતો.
શુક્રવારે રાત્રીનાં અરસામાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબીર સહિત પૂર્વપટ્ટી પંથકોનાં ગામડાઓમાં મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર નીર ફરી વળ્યા હતા. જ્યારે શનિવારે દિવસ દરમિયાન ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિતનાં પંથકોમાં ઝરમરીયો વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવાની સાથે વાતાવરણ આહલાદક બની ગયું હતું.
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રીનાં 10 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધીનાં 8 કલાક દરમિયાન આહવા પંથકમાં 33 મિમી અર્થાત 1.3 ઈંચ, વઘઇ પંથકમાં 22 મિમી અર્થાત 0.6 ઇંચ, સુબીર પંથકમાં 14 મિમિ અર્થાત 0.5 ઈંચ સાપુતારા પંથકમાં 21 મિમી અર્થાત 0.8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે શનિવારે દિવસ દરિયાન સુબીર ખાતે 5 મિમી અને સાપુતારા ખાતે 2 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.