ડાંગ: રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારાના વિકાસમાં જમીન ગુમાવનારા વિસ્થાપીતો ને છેલ્લા 50 વર્ષથી સરકારી યોજનાના શૌચાલયનો લાભ ન મળતા લોકોને આજે પણ શૌચક્રિયા કરવા જંગલમાં જવું પડતું હોય તો સરકારી તંત્રના નિર્મળ ગુજરાત અને સ્વચ્છ ભારત યોજનાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ગુજરાત રાજ્યની હદમાં રહેતા નવાગામ વાસીઓ શૌચક્રિયા કરવા મહારાષ્ટ્રના જંગલમાં જવું પડે છે. રાત્રીના સમયે જંગલી પ્રાણીઓના ભય સાથે બહેન દીકરીઓની કફોડી સ્થિતિ સર્જાય છે.
સાપુતારા નવગામના 45 ખાતેદાર પરિવારના 250 વારસદારોના ઘરમાં વિસ્થાપન થયાના 50 વર્ષે પણ ઘરઘર શૌચાલયોનો લાભ લાભાર્થીઓને ન મળતા આજના ડિજિટલ યુગમાં પણ નવાગામના લોકો પાષાણ યુગમાં રહેતા હોય તેવું પ્રતીતિ કરી રહ્યા છે. એકબાજુ રાજ્ય કેન્દ્ર સરકાર નિર્મળ ગુજરાત અને સ્વચ્છ ભારત સ્વચ્છતા અભિયાનની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ત્યારે સાપુતારા નવાગામ વાસીઓને 50 વર્ષે પણ લાભથી વંચિત રહ્યાં છે.
સાપુતારાના વિસ્થાપિતોને 50 વર્ષથી સરકારી યોજનાના શૌચાલયનો લાભ નથી મળ્યો
સાપુતારાના વિકાસમાં જમીન ગુમાવનારા વિસ્થાપિતોને છેલ્લા 50 વર્ષથી સરકારી યોજનાના શૌચાલયનો લાભ નહીં મળતા લોકોને આજે પણ શૌચક્રિયા માટે બહાર જવું પડે છે.
દેશભરમાં ગુજરાત મોડલ લાગુ કરવાની મોટી જાહેરાતો કરતી ભાજપ સરકાર દ્વારા દિવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. સને 2018માં કેન્દ્ર સરકારે ડાંગ જિલ્લાને નિર્મળ ગુજરાતનું એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું, તો શું સાપુતારા નવાગામ ગુજરાત રાજ્યના નકશામાં નથી? કે જ્યાં કુલ 300 ઘરોની સામે 200 ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા જ નથી. તેમ છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને એવોર્ડ કેવી રીતે મળ્યો તે તપાસનો વિષય છે. હાલમાં જ કોરોના મહામારી વચ્ચે 1 પરિવારના 14 સભ્યોને નવાગામ ખાતે હોમ કોરોન્ટાઈન તો કરાયાં હતા,પરંતુ તેમના ઘરે શૌચાલય જ ન હોય તમામ સભ્યો શૌચક્રિયા કરવા બહાર જવું પડે છે.
સાપુતારાને ગિરિમથકનો દરજ્જો મળ્યાને પાંચ દાયકા વીતી ગયા બાદ પણ તેમને પાયાની સુવિધાઓ માટે ઝઝૂમવું પડે તે કેટલી અંશે વ્યાજબી ગણાય. આ સંદર્ભે ડાંગ કલેકટર એન.કે.ડામોર એ જણાવ્યું હતું કે, સાપુતારા નવાગામના લોકોના ઘર પ્લોટ નામ પર ન હોય હાલ અત્યારે ઘર પ્લોટ ની કામગીરી ચાલી રહી છે. જેથી તેઓને સરકારી શૌચાલય યોજના મળી નથી.તેમ છતાં ટૂંક સમયમાં જાહેર શૌચાલય જેવી યોજનામાં શૌચાલય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.