ડાંગ : જિલ્લા કલેકટર એન.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં ડાંગ દરબાર-2020 અંતર્ગત બેઠક યોજાઇ હતી. જેમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્રએ ખભે ખભા મિલાવીને સૂક્ષ્મતિસૂક્ષ્મ આયોજન સાથે વધુ લોકો માટેનું આયોજન હાથ ધર્યું છે.
ડાંગનો ઐતિહાસિક અને ભાતીગળ લોક સંસ્કૃતીને ઉજાગર કરતો ડાંગ દરબાર 5 થી 8 માર્ચના રોજ યોજાશે
આગામી 5 માર્ચ 2020થી ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ડાંગ જિલ્લાનો ઐતિહાસિક અને ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા લોક મેળાનું વિધિવત પ્રારંભ થશે. ડાંગ દરબાર તરીકે પ્રખ્યાત આ લોકમેળો ૮મી માર્ચ સુધી યોજાશે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ ડાંગ દરબારનો ભવ્ય ભાતીગળ મેળો રાબેતા મુજબના સ્થળે યોજાશે. જેને માટે જરૂરી તમામ આગોતરી વ્યવસ્થાઓ માટે વહીવટીતંત્રએ કવાયત હાથ ધરી દીધી છે. ડાંગ દરબારની પરંપરા અનુસાર આ વખતે પણ ડાંગ દરબારનો પ્રારંભ રાજ્યના રાજ્યપાલના હસ્તે થાય તે માટેનું આયોજન ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયુ છે. ડાંગના માનીતા અને જાણીતા આ લોકોત્સવને લોકો મનભરીને માણે તે દિશામાં કલેકટર એન.કે.ડામોરે પ્રયાસ હાથ ધર્યા છે.
કલેકટર ડામોરની સુચના અને માર્ગદર્શન મુજબ ડાંગ દરબારના ઉદઘાટન સમારોહમાં શોભાયાત્રા, માહિતીસભર પ્રદર્શન સ્ટોલ, જુદી જુદી ચીજ વસ્તુઓની દુકાનો, પ્લોટ ફાળવણી સહિત સ્વચ્છતા અભિયાન પીવાના પાણી આરોગ્યની વ્યવસ્થા, વાહન- વ્યવહાર, પોલીસ બંદોબસ્ત સહિત રજુ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વિવિધ સમિતિઓની રચના કરી તમામ કામગીરી સોંપવામાં આવેલી છે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, નિવાસી અધિક કલેકટર ડી.કે ડામોર, નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.કવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, મામલતદાર, વાસુર્ણના રાજવી ધનરાજ સૂર્યવંશી, સામાજિક કાર્યકર ગાડાંભાઈ પટેલ સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.