- ડાંગ જિલ્લા કલેક્ટરે આરોગ્ય કર્મચારીઓ સાથે બેઠક કરી
- જિલ્લામાં માતા-બાળ મૃત્યુના વધતા કેસ અંગે નારાજગી વ્યક્ત કરી
- આરોગ્યલક્ષી સેવામાં બેદરકારી નહીં ચલાવાયઃ જિલ્લા કલેક્ટર
ડાંગમાં આરોગ્ય સેવાના અભાવે માતા-બાળ મૃત્યુના કેસ વધતા કલેક્ટરે નારાજગી વ્યક્ત કરી
ડાંગઃ હાલમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા “ગર્ભાધાનથી લઈને મૃત્યુપર્યંત” સુધીની આરોગ્ય સેવા અમલી છે ત્યારે વિશેષ કરીને ગ્રામીણ આરોગ્ય કર્મચારીઓને માનવતા સાથે પ્રજાજનોની સેવા કરવાની હિમાયત જિલ્લા કલેક્ટરે કરી હતી. ડાંગ જિલ્લામાં થયેલા માતા અને બાળ મરણના કમનસીબ બનાવો અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી કરતા જિલ્લા કલેક્ટરે આરોગ્ય કર્મચારીઓને સંવેદનશીલ થવાની સૂચના આપી હતી.
સગર્ભા માતાઓની સંપૂર્ણ આરોગ્યલક્ષી તપાસ કરવા સૂચના
સગર્ભા માતાઓની સંપૂર્ણ આરોગ્યલક્ષી તપાસ શરૂઆતના દિવસોમાં જ થાય તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સુનિશ્ચિત થાય તેવું વ્યવસ્થા તંત્ર ગોઠવવાની સૂચના પણ અપાઈ હતી. આ સાથે ગ્રામીણ આરોગ્ય કર્મચારીઓને ફરજિયાતપણે પોતાના સબ સેન્ટર, પીએચસી કક્ષાએ રહીને જ સેવાઓ આપવાની પણ તાકીદ કરી હતી.
આરોગ્યલક્ષી સેવાઓમાં બેદરકારી ચલાવી લેવામાં નહીં આવેઃ ડાંગ કલેક્ટર
હેલ્થ વર્કરોને તેમના નિયત જોબ ચાર્ટ મુજબ કામગીરી કરવાની તાકીદ કરતા ડામોરે તાલુકા કક્ષાએથી સઘન મોનિટરીંગ અને સુપરવિઝન માટે ટીમનું ગઠન કરવાની પણ સૂચના આપી હતી. આરોગ્ય સેવા બાબતે ખૂબ જ સંવેદનશીલતા અને માનવતા સાથે કામગીરી હાથ ધરી, માતા અને બાળકોનું અમૂલ્ય જીવન બચાવવા ઘટતા તમામ પ્રયાસો કરવાની દિશામાં કામ કરવા જણાવાયું છે. કલેકટરે કહ્યું, જરૂરી દવાઓ કે સાધન-સુવિધાના અભાવે મુશ્કેલી હોય તો તે નિવારી શકાય, પરંતુ કામગીરીમાં બેદરકારી કોઈ પણ સંજોગે ચલાવી શકાય નહીં.
ગ્રામીણ કક્ષાએ આરોગ્યકર્મીઓએ ફરજિયાત હેડ ક્વાર્ટર ઉપર હાજર રહેવું
જિલ્લાના પેરા મેડીકલ સ્ટાફ-ગ્રામ્ય કર્મચારીઓને વધુ કાળજીપૂર્વક સેવા બજાવવાની સુચના આપતા કલેકટરે ડામોરે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને અભાવે માતા-બાળ મૃત્યુના કેસો બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આરોગ્ય તંત્ર સાથે સંકળાયેલા કર્મયોગીઓ દયા, માયા, સંવેદના, માનવતા સાથે કાર્ય કરે તે જરૂરી છે તેમ જણાવી કલેકટરે ગ્રામીણ કક્ષાએ ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓને ફરજિયાતપણે તેમના હેડ ક્વાર્ટર ઉપર રહેવાની પણ તાકીદ કરી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા બેઠકનું સંચાલન કરાયું હતું
આહવાના જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. વઢવાણિયાએ આરોગ્ય સેવાઓની અસરકારકતા બાબતે ઉપયોગી સૂચન રજૂ કર્યા હતા. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહે બેઠકની કાર્યવાહી સંભાળી હતી. બેઠકમાં આશાથી લઈને આરોગ્ય અધિકારી સુધીના કર્મચારી/અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.