ડાંગઃ જિલ્લાનાં સુબીર તાલુકા પંચાયતનાં પ્રમુખ યશોદાબેન રાઉત ભાજપમાંથી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ જતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો આવ્યો છે. સુબીર તાલુકા પંચાયતનાં આ બાગી મહિલા પ્રમુખ સામે ગત મહિનાઓ પહેલા તાલુકા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત અરજી પણ કરવામાં આવી હતી. જેમાં આ મહિલાએ કોંગ્રેસનાં ટેકાથી પ્રમુખ પદ પાછુ મેળવ્યું હતુ.
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં કિરલી તાલુકા સીટ ઉપર ભાજપનાં ચિહ્નન ઉપરથી ચૂંટાયેલા યશોદાબેન રાઉત (સુબીર તાલુકા પંચાયતનાં પ્રમુખ) સુબીર તાલુકાનાં કેસબંધ ખાતે કોંગ્રેસની બેઠકમાં વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી જોડાઈ જતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
સુબીર તાલુકા પંચાયતનાં આ બાગી મહિલા પ્રમુખ સામે ગત મહિનાઓ પહેલા તાલુકા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત અરજી પણ કરવામાં આવી હતી. જેમાં આ મહિલાએ કોંગ્રેસનાં ટેકાથી પ્રમુખ પદની ખુરશી જાળવી હતી. તે સમયે પૂર્વ ધારાસભ્ય મંગળભાઇ ગાવીતનાં ટેકાથી સુબીરમાં કોંગ્રેસ પક્ષનાં તાલુકા સભ્યો આ મહિલા પ્રમુખનાં વહારે આવ્યા હતા. જેમાં આ મહિલા સામેની અવિશ્વાસ દરખાસ્ત નામંજૂર થઇ હતી.
જેનુ રૂણ અદા કરવા સુબીર તાલુકા પંચાયતનાં મહિલા પ્રમુખ યશોદાબેન રાઉત હવે કોંગ્રેસ પક્ષમાં વિધિવત જોડાયા છે. હાલમાં રાજ્યની 8 વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે આ આઠે આઠ બેઠકોનો કબ્જો મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા બુથ લેવલની મીટિંગોનો દોર શરૂ કરી દેવાયો છે.
પેટા ચૂંટણી પૂર્વે સુબીર તાલુકા પંચાયતનાં પ્રમુખ યશોદાબેન રાઉતે કેસબંધ ખાતે કોંગ્રેસની મીટિંગમાં કોંગ્રેસનાં પ્રભારી અજયભાઈ ગામીત, ડાંગ કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલ ચૌધરી, કોંગ્રેસનાં આગેવાન ચંદરભાઈ ગાવીત, સૂર્યકાંત ગાવીત, સ્નેહલ ઠાકરે, મુકેશભાઈ પટેલની ઉપસ્થિતમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતા ડાંગનાં પૂર્વપટ્ટીનાં રાજકારણમાં સમીકરણો બદલવવાની સાથે હલચલ મચી છે, થોડા દિવસ પૂર્વે કેબિનેટ પ્રધાન ગણપતભાઈ વસાવાનાં હસ્તે પૂર્વપટ્ટી વિસ્તારનાં હજારોની સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈને કેસરીયો ધારણ કર્યો હતો. ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે ડાંગનાં સુબીર તાલુકામાં કાર્યકર્તાઓનો કોંગ્રેસમાંથી ભાજપા અને ભાજપામાંથી કોંગ્રેસમાં જોડાવવાનો સીલસીલો યથાવત રહેતા ચર્ચાએ જોર પકડયું છે.