ડાંગ: જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પ્રધાન ગણપત વસાવાએ શિક્ષકદિન ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્યમાં યોજાયેલા 'બ્લડ ડોનેશન કેમ્પ'ને માનવસેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું.
આ પ્રસંગે ગણપત વસાવાએ જણાવ્યું કે, શિક્ષકો, વાલી મંડળ અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને સંકલનને કારણે આજે ગ્રામીણ વિસ્તારોમાં પણ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહ્યું છે. જીવનની દરેક સમસ્યાઓના નિરાકરણ માટે શિક્ષણ જ એકમાત્ર તરણોપાય છે.
તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિને કારણે અમલી 'શાળા પ્રવેશોત્સવ'ને કારણે ડાંગ જિલ્લામાં Oટેલા ડ્રોપ આઉટ રેશિયો અને બોર્ડની પરીક્ષાઓના શ્રેષ્ઠ પરિણામનો ઉલ્લેખ કરી પ્રધાને આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાન શાળાઓ અને કૉલેજોની એક આખી શૃંખલા કાર્યરત થઈ હોવાનું જણાવ્યું હતું.
વધુમાં વન પ્રધાને જણાવ્યું કે, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ સહિત, સમરસ હોસ્ટેલો, આદર્શ નિવાસી શાળાઓ અને છેલ્લે ટ્રાયબલ યુનિવર્સિટી પણ રાજ્ય સરકારે શરૂ કરી છે. જેને કારણે આદિવાસી સમાજમાં શિક્ષણની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત આદિવાસી સમાજની દિકરીઓના શિક્ષણ સ્તરમાં પણ વધારો થયો છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોમા કર્મયોગી શિક્ષકોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, ત્યારે શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરતા ગુરુજનોમાંથી તમામ લોકોને પ્રેરણા લેવાની જરૂર છે.