ડાંગ : જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ખાતળ માછળી ગામ નજીક મહાલ કોટનાં ગાઢ જંગલો વચ્ચે પૂર્ણા નદીનાં કિનારે આવેલા પૂર્ણેશ્વર મહાદેવનું મંદિર આશરે 500 વર્ષથી પુરાણુ હોવાની લોકવાયકા ધરાવે છે. લોકવાયકાઓ પ્રમાણે પેશ્વા મરાઠા સૈન્યનાં પડાવે આ સ્થળે રોકાણ કર્યું હતુ. તે સમયે અહી પેશ્વા દ્વારા સહસ્ત્ર 1008 શિવલિંગની પૂજા કરવામાં આવતી હતી અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે માનતા રાખવામાં આવતી હતી. બીજી લોકવાયકા અનુસાર અહલ્યાબાઈ હોલકર જ્યારે સોમનાથ યાત્રાએ જતા હતા, ત્યારે આ સ્થળે તેમણે શિવમંદિરનું નિર્માણ કર્યું હતુ. જેનો ઉલ્લેખ મહર્ષિ વેદવ્યાસ પ્રણીત શિવમહાપુરાણનાં અધ્યાય નં. 41માં પૂર્ણા નદીનાં કિનારે પૂર્ણકવીરેશ્વર મહાદેવ નામ દર્શાવેલ છે.
ડાંગનું આ ગામ પૌરાણીક શિવમંદિરની મૂર્તિઓ અને કોતરકામ પ્રાચીન સમયની આસ્થાની ગવાહી પુરી પાડે છે
જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ખાતળ માછળી ગામ ખાતે આવેલા 500 વર્ષથી વધારે જૂના અને પૌરાણીક એવા પૂર્ણેશ્વર મહાદેવનાં મંદિરમાં મહાશિવરાત્રીનાં પાવનપર્વ નિમિત્તે પૂજાવિધી હોમ હવન તેમજ ભજન કીર્તન સહિતનાં કાર્યક્રમો યોજાશે.
પ્રાચીન સમયથી ભક્તો લાકડાનાં કાચા મંદિરમાં અહી શિવજીની પૂજા અર્ચના કરતા આવ્યા છે. જેના અવશેષો અહી નજરો નજર જોવા મળે છે. અહી સ્થળ ઉપર શિવલિંગ, માતા પાર્વતી, ગણેશજી, શિવ પાર્વતી, વિશાળ નંદી, શનિદેવ મંદિરનો ઉંબરો, ગૌમુખ સહિતનું કોતરકામ જે કાળા પથ્થરમાંથી કંડારાયેલુ હોય સ્થાપત્યની દ્રષ્ટિએ મહારાષ્ટ્રનાં મંદિરોની કોતરકામને મળતું આવે છે. ગાઢ જંગલોમાં દટાયેલુ આ પૌરાણીક શિવમંદિરને ઈ.સ 1970નાં દાયકામાં ગ્રામજનો દ્વારા ખોદી કાઢવામાં આવ્યુ હતું, ત્યારથી ડાંગ સહિત અન્ય જિલ્લાનાં ભક્તો માટે આસ્થાનું પ્રતીક એવું પૂર્ણેશ્વર મહાદેવનાં મંદિરમાં શ્રાવણ માસ, ગણેશ ચતુર્થી તેમજ પાવનપર્વ એવા મહાશિવરાત્રીનાં દિવસે હોમ હવનયજ્ઞ, પૂજાવીધી, ભજન સંધ્યા સહિતનાં કાર્યક્રમો યોજી ભગવાન શિવજીની આરાધના કરી માનતા માંગવામાં આવે છે.
મહાદેવ દેવસ્થાન ટ્રસ્ટ માછળી પૂર્ણેશ્વર મહાદેવ મંદિરનાં આયોજક ચંદરભાઈ બાગુલ સહિત ગ્રામજનો દ્વારા શિવરાત્રી પર્વ નિમિત્તે બે દિવસીય આયોજીત કાર્યક્રમમાં સૌ કોઈ હિંદુ ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવ્યું છે.