શિક્ષક દિન વિશેષ: નિવૃત્ત શિક્ષકે કાચની વેસ્ટ બોટલોમાંથી ભારતના પ્રખ્યાત સ્થળોનું નિર્માણ કર્યું
ડાંગઃ જિલ્લામાં આવેલ વઘઇ તાલુકાના નીમ્બારપાડા ગામે એક વય નિવૃત્ત શિક્ષકે કાચની વેસ્ટ બોટલોનો ઉપયોગ કરી ભારતના પ્રખ્યાત સ્થળો અને વિવિધ ધર્મોના મંદિરોનું નિર્માણ કર્યું છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે. દિલ્હીનો લાલ કિલ્લો, કુતુમ્બ મિનાર, સ્વર્ણ મંદિર, તાજ મહેલ સહિત વિવિધ ધર્મોના મંદિરોને વેસ્ટ વસ્તુઓમાંથી બનાવ્યા છે.
ડાંગ જિલ્લાના માળુંગા ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવનાર કાળુભાઈ ગાવીત હાલ વય નિવૃત્ત શિક્ષક થયા છે. વય નિવૃત્તિ થયા બાદ ટાઈમ પસાર કરવા માટે તેમણે વેસ્ટ વસ્તુઓ માંથી બેસ્ટ વસ્તુ બનાવવાનું વિચાર્યું. જે વસ્તુઓ લોકો ફેંકી દેતાં હોય અથવા જે બિનઉપયોગી વસ્તુઓ હોય તેવી વસ્તુઓનો સદઉપયોગ કરીને કાળુભાઈએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાનું વિચાર્યું. દવાખાનાની કાચની બોટલો જેને ફેંકી દેવામાં આવતી હોય તેવી બોટલોનો ઉપયોગ કરીને સુંદર મંદિરોનું નિર્માણ કર્યું છે. મંદિરોની સાથે ભારતના પ્રખ્યાત સ્થળોનું પણ નિર્માણ કર્યું છે. દિલ્હીનો લાલ કિલ્લો, તાજ મહેલ, કુતુમ્બ મિનાર, સ્વર્ણ મંદિર વગેરે.