ગુજરાત

gujarat

By

Published : Oct 15, 2020, 11:10 PM IST

Updated : Oct 15, 2020, 11:44 PM IST

ETV Bharat / state

ડાંગ પેટા ચૂંટણીઃ પક્ષના આગેવાનોની નારાજગી વચ્ચે કોંગ્રેસના સૂર્યકાંત ગાવીતે નામાંકન ભર્યું

3 નવેમ્બરનાં રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો દ્વારા ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવામાં આવ્યાં છે, ત્યારે બુધવારે મોડી રાત્રીએ કોંગ્રેસ પક્ષે સૂર્યકાંત ગાવીતનું નામ જાહેર કર્યું હતું. ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા સૂર્યકાંત ગાવીતનું નામ જાહેર કરતાની સાથે જ બીજા દિવસે ટિકિટના દાવેદાર અને કદાવર નેતા તરીકે ઓળખાતા ચંદર ગાવીતના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી હતી. જે અંતર્ગત તેમણે આહવા ખાતે હાય વોલ્ટેજ ડ્રામા કર્યો હતો. આ તમામ વચ્ચે સૂર્યકાંત ગાવીતે આજે એટલે કે ગુરુવારે પ્રાંત કચેરી ખાતે પોતાનું નામાંકન નોંધાવ્યું હતું.

ડાંગ પેટા ચૂંટણી
ડાંગ પેટા ચૂંટણી

ડાંગઃ જિલ્લાની ખાલી પડેલી બેઠક માટે 3 નવેમ્બરનાં રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષની પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે. ભાજપ પક્ષે રવિવારના રોજ વિજય પટેલને પોતાનો ઉમેદવાર જાહેર કર્યો હતો. વિજય પટેલે ડાંગ જિલ્લા સેવાસદન ખાતે દાવેદારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસ પક્ષ પોતાના ઉમેદવાર અંગે અસમંજસતામાં હતી. બુધવારે સાંજના 8 વાગ્યા સુધીમાં કોંગ્રેસનાં કદાવર નેતા ચંદર ગાવીતનું નામ ફાઇનલ ગણાઇ રહ્યું હતુ. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જાહેર કરેલી યાદીમાં ચંદર ગાવીતની જગ્યાએ સૂર્યકાંત ગાવીતનું નામ ફાઇનલ કર્યું હતું. જેથી સ્થાનિક કક્ષાએ કોંગી કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ સાથે જ ગુરુવારે આહવા ખાતે ડાંગના મોટા ભાગનાં કોંગ્રેસના આગેવાનોએ હાય વોલ્ટેજ ડ્રામા કર્યો હતો. આ તમામ વચ્ચે સૂર્યકાંત ગાવીતે આજે એટલે કે ગુરુવારે પ્રાંત કચેરી ખાતે પોતાનું નામાંકન નોંધાવ્યું હતું.

ડાંગ કોંગી આગેવાનોની નારાજગી વચ્ચે સૂર્યકાંત ગાવીતે નામાંકન નોંધાવ્યું

સૂર્યકાંત ગાવીતનો રાજકીય ચિતાર

સૂર્યકાન્ત ગાવીત વઘઇ તાલુકાના સૂસરદા ગામનાં રહેવાસી છે. તે ગત 25 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. ડાંગ જિલ્લા કોંગ્રેસ પક્ષમાં અનુસ્નાતક કક્ષાની ડિગ્રી (M.B.A) ધરાવે છે. આ સાથે જ તે 2002માં અપક્ષ ઉમેદવાર તરીકે ધારાસભ્યની ચૂંટણી લડી ચૂક્યા છે. જેમાં તેમણે 22,000 મત મેળવ્યા હતા. સૂર્યકાંત ગાવીત મોહન ડેલકરનાં અંગત મનાય છે. સૂર્યકાંત ગાવીત ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીનાં પાર્ટી પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. આ અગાઉ કોંગ્રેસ પક્ષ સાથે બગાવત કરી ભાજપમાં પણ જોડાયા હતા. જે બાદ ફરી ઘર વાપસી કરી હતી.

ડાંગ કોંગી આગેવાનોની નારાજગી વચ્ચે સૂર્યકાંત ગાવીતે નામાંકન નોંધાવ્યું

ડાંગ જિલ્લાની પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષના ઉમેદવાર વિજય પટેલ ગત 4 ટર્મથી વિધાનસભામાં દાવેદારી કરતા આવ્યા છે. જેમાં તેમણે 2007માં એક વાર જીત મેળવી હતી. ભાજપ પક્ષે હવે 5મી વખત એક જ ઉમેદવારને મેદાને ઉતાર્યા છે.

ડાંગ જિલ્લા કોંગ્રેસ તરફથી આજરોજ બપોરબાદ ગણ્યા ગાંઠ્યા કાર્યકરો સાથે ઉમેદવાર સૂર્યકાંત ગાવીતે ડાંગ જિલ્લાનાં સેવાસદન ખાતેનાં પ્રાંત કચેરીએ ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિએ ડાંગ જિલ્લાનાં કૉંગ્રેસનાં ઉમેદવાર તરીકે સૂર્યકાંત ગાવીતનું નામ જાહેર કરતા ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિમાં કકળાટની સાથે ભડકો થવા પામ્યો છે. જેમાં ડાંગ જિલ્લા કૉંગ્રેસનાં કદાવર નેતા ચંદર ગાવીત પણ ટિકિટ માટેનાં સક્ષમ દાવેદાર હતા.ડાંગ જિલ્લામાં ચંદર ગાવીતની જગ્યાએ સૂર્યકાંત ગાવીતનું નામ જાહેર થતા ગુરુવારે ડાંગ કૉંગ્રેસનાં તમામ આગેવાનો આહવા દોડી ગયા હતા.અને ચંદર ગાવીતનાં સમર્થનમાં જોવા મળ્યા હતા.તેવામાં આ કકળાટ વચ્ચે આજરોજ સૂર્યકાંત ગાવીતે પ્રાંત કચેરીમાં ઉમેદવારી નોંધાવી હતી.જે પ્રસંગે ડાંગ જિલ્લાનાં 80 ટકા કૉંગ્રેસનાં આગેવાનોએ ગેરહાજરી નોંધાવી રોષ વ્યકત કર્યો હતો.

Last Updated : Oct 15, 2020, 11:44 PM IST

ABOUT THE AUTHOR

...view details